
વિજાપુરમાં 22 વર્ષીય યુવકની કરપીણ હત્યા
મણિપુરા રોડ પર પાણીની ટાંકી પાસે લોહીલુહાણ હાલતમાં લાશ મળી :
7 મહિના પહેલાં યુવક અમિત ના લગ્ન થયા હતા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના મણિપુરા રોડ પર આવેલી પાણીની ટાંકી નજીક 22 વર્ષીય યુવકની છરીના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ વિજાપુરના રહેવાસી અને ફર્નિચર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અમિત સલાટ (ઉ.વ. 22)ની અજાણ્યા શખ્સોએ છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાના ઈરાદે મૃતદેહને અન્ય સ્થળેથી લાવી મણિપુરા રોડ પર આવેલી પાણીની ટાંકી નજીક ફેંકી દેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટનાને વધુ રહસ્યમય બનાવતી બાબત એ છે કે મૃતકના નાના ભાઈ પૂનમ સલાટે રાત્રે ભાઈ ઘરે પરત ન ફરતા તેના મોબાઈલ ફોન પર સંપર્ક સાધ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડી કહ્યું હતું કે, “તારો ભાઈ હજુ સૂતો છે, તમે અહીં આવીને તેને લઈ જજો.” આ ફોન કોલથી પરિવાર ચિંતિત બન્યો હતો.
દરમિયાન ઘટનાસ્થળ નજીક રહેતા એક પરિચિત વ્યક્તિએ પરિવારને જાણ કરી હતી કે અમિતને કોઈએ મારીને પાણીની ટાંકી પાસે ફેંકી દીધો છે. પરિવાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો ત્યારે અમિત લોહીલુહાણ હાલતમાં મૃત પડ્યો હોવાનું જોવા મળ્યું હતું.
પરિવારજનોના જણાવ્યા મુજબ અમિત ત્રણ ભાઈઓમાં વચેટ હતો અને તેના લગ્નને હજુ માત્ર સાત મહિના જેટલો જ સમય થયો હતો. તેની પત્ની હાલ ગર્ભવતી હોવાથી યુવાન પુત્રની હત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાવી છે.
ઘટનાની જાણ થતાં વિજાપુર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. કેટલાક શંકાસ્પદ શખ્સો ની પોલીસે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે પોલીસે મોબાઈલ કોલ ડિટેઈલ્સ, ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કર્યા છે. સતત વધી રહેલી ગુનાખોરીની ઘટનાઓને કારણે વિજાપુર પંથકમાં લોકોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે
ફરીયાદ નોંધાઈ……….
વિજાપુરમાં પ્રેમસંબંધની શંકામાં યુવાનની હત્યા, મિત્ર પર પણ જીવલેણ હુમલો
વિજાપુર, તા. 20: વિજાપુર-મણીપુરા રોડ પર ગુરુવાર રાત્રે પ્રેમસંબંધની શંકાને લઈને થયેલા હુમલામાં એક યુવાનની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં મૃતકના મિત્રને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ત્રણ શખ્સો સામે હત્યા સહિતના ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ વિજાપુરના રેલવે ફાટક નજીક રહેતા કાનાભાઈ રામાભાઈ સલાટના પુત્ર અમિત સલાટ પોતાના માલિક નિકુલ ઉર્ફે ગબ્બર સુથાર સાથે ગુરુવારે રાત્રે એક્ટિવા પર કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વિજાપુર-વિસનગર રોડ પરથી મણીપુરા રોડ તરફ જતા સમયે ચેતન, રાહુલ અને સિદ્ધરાજ નામના શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો.
આરોપીઓએ અમિતના ચેતનની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા વ્યક્ત કરી ઝઘડો શરૂ કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા અમિત સ્થળ પરથી દોડી ગયો હતો. ફરિયાદ અનુસાર આરોપીઓ તેની પાછળ દોડ્યા હતા અને તિક્ષ્ણ હથિયાર વડે છાતીમાં ઘા ઝીંકી તેની હત્યા કરી હતી.
બીજી તરફ અમિત સાથે રહેલા નિકુલ ઉર્ફે ગબ્બર પર પણ આરોપીઓએ ધોકા, પથ્થર અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં તેના માથા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત તેના એક્ટિવાની પણ તોડફોડ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં અમિતને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતકના પિતા કાનાભાઈ સલાટની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે ચેતન, રાહુલ અને સિદ્ધરાજ સામે હત્યા, હત્યાના પ્રયાસ, મારામારી તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.



