
વિજાપુરમાં રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા, શહેરમાં ભક્તિમય માહોલ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રામ નવમીના પાવન અવસર પર વિજાપુર શહેરમાં શ્રી રામ નવમી સેવા સમિતિ-વિજાપુર તથા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રેરક તત્વ હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના આકર્ષક રથ સાથે નીકળેલી આ યાત્રાએ શહેરમાં ભક્તિમય માહોલ સર્જ્યો હતો.
ગુરુવારે સવારે ગાયત્રી મંદિર, માર્કેટયાર્ડ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. 
યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ટ્રેક્ટરો, બગી વાહનો અને વિવિધ ઝાંખીઓ યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યા હતા. “જય શ્રી રામ”ના ગુંજતા નારા વચ્ચે યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.
આ શોભાયાત્રા ટીબી વિસ્તાર, વિવિધ સોસાયટીઓ, સરદાર પટેલ સર્કલ, આનંદપુરા ચોકડી, બુદ્ધિ નગર, આંબેડકર ચોક, ચક્કર અને ખત્રી કુવા સહિતના વિસ્તારોમાં ફરી હતી અને અંતે મૂળ સ્થળે પરત ફરી હતી. માર્ગમાં ઠેરઠેર ભાવિકો દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચક્કરથી ખત્રી કુવા સુધી સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થતા આયોજકો અને નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.



