
હિરપુરા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ : લાભાર્થીઓને યોજનાઓની માહિતી સાથે કાર્ડ અને પોષણ કીટનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ભારત સરકાર ગુજરાત સરકાર ના “૧૨ વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના” સૂત્રને સાકાર કરતી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુસર વિજાપુર તાલુકાના હિરપુરા પટેલ સમાજવાડી ખાતે ફલુ જિલ્લા પંચાયત સીટની જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે ગ્રામજનો અને લાભાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) અંતર્ગત આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સગર્ભા માતાઓને પોષણ કીટ અર્પણ કરીને માતા અને બાળ આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય સીજે ચાવડાએ સરકારની વિકાસયાત્રા અને કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ દરેક પાત્ર પરિવારો સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિબિરમાં ઉપસ્થિત આગેવાનોએ પણ લાભાર્થીઓને યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં તાલુકા ભાજપના પ્રમુખ હાર્દિક ભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન રાજુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, તાલુકા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિલીપભાઈ પટેલ, જિલ્લા સદસ્ય નીતાબા, તાલુકા સદસ્ય સતિષભાઈ, મીનાક્ષીબેન, ગંગાજી, મામલતદાર અતુલ સિંહ.પી. ભાટી, ટીડીઓ, હિરપુરા ગામના સરપંચ, જિલ્લા સીટના આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિબિર દરમિયાન યોજનાઓ અંગે માહિતી મેળવવા અને સ્થળ પર જ લાભ મેળવવા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે કાર્યક્રમ સફળ રહ્યો હતો.




