MEHSANAVIJAPUR

વાચનથી વિકાસ : મહેસાણા જિલ્લાની અનોખી શૈક્ષણિક પહેલ, શાળાના પુસ્તકાલયો હવે ગ્રામજનો માટે પણ ખુલ્લા

વાચનથી વિકાસ : મહેસાણા જિલ્લાની અનોખી શૈક્ષણિક પહેલ, શાળાના પુસ્તકાલયો હવે ગ્રામજનો માટે પણ ખુલ્લા
મહેસાણા:
શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો માટે જાણીતા મહેસાણા જિલ્લામાં વધુ એક અનોખી અને રાજ્યમાં પ્રથમ કહી શકાય તેવી પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27થી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં “વાચનથી વિકાસ” કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત શાળાના પુસ્તકાલયો હવે માત્ર વિદ્યાર્થીઓ પૂરતા સીમિત નહીં રહે, પરંતુ ગામના વાલીઓ, વાચનપ્રેમી નાગરિકો અને ગ્રામજનો માટે પણ ખુલ્લા રહેશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓમાં વાંચનની આદત વિકસે તે માટે વર્ગવાર પુસ્તકાલયો, દર શનિવારે 45 મિનિટનું વિશેષ વાચન, ‘વાચનપોથી’, ‘પુસ્તક-સાર’ અને ‘પુસ્તક પરિચય’ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. સાથે જ ગ્રામજનોને ઘરે વાંચવા માટે પુસ્તકો આપવામાં આવે તે માટે અલગ ઇશ્યુ રજિસ્ટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.આગામી 25 જુલાઈ, 2026ના રોજ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભવ્ય પુસ્તક પ્રદર્શન યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના પુસ્તકો પસંદ કરશે અને તેના પર ચર્ચા કરશે. વર્ષ દરમિયાન દેશભક્તિ, સંસ્કાર અને સર્જનાત્મકતા વિકસે તે માટે ‘માતૃભૂમિ વંદના’, ‘પાત્ર શોધ અને પરિચય’, ‘પુસ્તકો આપણા ગુરુ’ અને ‘નાટ્ય મહોત્સવ’ જેવી વિશેષ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દર ત્રણ મહિને સૌથી વધુ પુસ્તકો વાંચનારા વિદ્યાર્થીને ‘વાચન એમ્બેસેડર’ તરીકે જાહેર કરી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત પુસ્તકાલયોને વધુ સમૃદ્ધ બનાવવા દાતાઓના સહયોગથી સામયિકો અને વર્તમાનપત્રોની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં શરૂ થયેલી આ અનોખી પહેલ વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવાની સાથે શાળા અને ગ્રામ સમાજ વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનાવશે. સમગ્ર ગુજરાત માટે મહેસાણા જિલ્લાનો આ પ્રયોગ પ્રેરણાદાયી અને અનુસરવા યોગ્ય મોડેલ તરીકે ઉભરી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!