MEHSANAVIJAPUR

વિજાપુરમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત PCPNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

વિજાપુરમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત PCPNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ કાર્યક્રમ અંતર્ગત વિજાપુર નગરપાલિકા હોલ ખાતે PCPNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા નગરપાલિકાના ઉપપ્રમુખ બીનાબેન પટેલે કરી હતી.
કાર્યક્રમનું સંચાલન ભારતીબેન પટેલે કર્યું હતું. તેમણે સેમિનારમાં ઉપસ્થિત મહિલા આરોગ્ય કર્મચારીઓ (FHW), કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો (CHO) તેમજ આશા કાર્યકરોને મહિલાઓના સશક્તિકરણ માટે સરકારના વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ચેતન પ્રજાપતિએ PCPNDT એક્ટની જોગવાઈઓ, ગર્ભલિંગ નિર્ધારણ પરના કાયદાકીય પ્રતિબંધ અને દીકરીના જન્મ પ્રત્યે સમાજમાં સકારાત્મક અભિગમ વિકસાવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે ખાસ કરીને જે ગામોમાં બાળ લિંગાનુપાત ઓછો છે, ત્યાં તેના મૂળ કારણો શોધી વ્યાપક જનજાગૃતિ લાવવા માટે વિવિધ IEC (Information, Education and Communication) પ્રવૃત્તિઓ હાથ ધરવા તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી.
સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલા આરોગ્ય કર્મચારીઓ, CHO અને આશા બહેનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો, ગર્ભલિંગ નિર્ધારણ સામે જાગૃતિ ફેલાવવી અને સમાજમાં લિંગ સમાનતાનો સંદેશ પહોંચાડવાનો રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!