
વિજાપુર પોલીસની પ્રશંસનીય કામગીરી: બસમાં ભૂલાઈ ગયેલી ₹15 હજાર રોકડ, દસ્તાવેજો અને કપડાં ભરેલી બેગ માલિકને પરત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે. બસમાં ભૂલથી રહી ગયેલી અને અન્ય મુસાફર પોતાની સમજીને લઈ ગયેલી બેગ શોધી કાઢી તેના મૂળ માલિકને પરત સોંપતા પોલીસની કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, ઇડર તાલુકાના પાનોલ ગામના રહેવાસી પાર્થ ભરતભાઈ ચૌધરી હિંમતનગરથી મહેસાણા જતી બસમાં મુસાફરી કરી રહ્યા હતા.બસ સ્ટેશનથી બસ આગળ નીકળ્યા બાદ તેમને પોતાની બેગ ગુમ થયાનું ધ્યાન આવ્યું. બેગમાં રૂ. 15,000ની રોકડ રકમ, મહત્વના દસ્તાવેજો તેમજ કપડાં હતા. આ અંગે તેમણે તાલુકાના પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી અને હાલ વિજાપુરમાં રહેતા નિલેષભાઈ રમેશભાઈ પારગી બસમાંથી ઉતરતી વખતે ભૂલથી આ બેગ પોતાની સમજીને લઈ ગયા હતા. પોલીસે તેમનો સંપર્ક કરતાં તેમણે બેગ સ્વેચ્છાએ પરત આપી હતી.
ત્યારબાદ પોલીસે બેગમાં રહેલી રૂ. 15,000ની રોકડ રકમ, દસ્તાવેજો અને અન્ય સામાન મૂળ માલિક પાર્થ ભરતભાઈ ચૌધરીને સોંપ્યો હતો. પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા અરજદારે વિજાપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.




