
વિજાપુર એ.પી.એમ.સી ખાતે રાહત દરે ચોપડા વિતરણ, વાલીઓમાં ભારે ઉત્સાહ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વિજાપુર એ.પી.એમ.સી દ્વારા પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલને કારણે સ્થાનિક વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
ચોપડા વિતરણ કાર્યક્રમ દરમિયાન વહેલી સવારથી જ વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી. રાહત દરે ચોપડા મેળવવા માટે વાલીજનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ચહલપહલથી ગુંજી ઉઠ્યો હતો. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે ખાસ ઉપયોગી સાબિત થઈ રહી છે.
એ.પી.એમ.સી દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય શિક્ષણ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. વધતા શિક્ષણ ખર્ચ વચ્ચે આ પ્રકારની સહાય વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન આપશે અને વાલીઓ પરનો આર્થિક ભાર ઘટાડશે.
આ પ્રસંગે એ.પી.એમ.સીના ચેરમેન રાજુભાઈ એસ. પટેલ, વાઈસ ચેરમેન બચુભાઈ પટેલ તેમજ બજાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત આગેવાનો દ્વારા આવી જનહિતકારી પ્રવૃત્તિઓ આગળ પણ ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી હતી.



