
વિજાપુર તાલુકાના આગલોડમાં મચ્છરજન્ય ઉત્પત્તિ સ્થળો મળતાં સાબરમતી મિલને રૂ. 5 હજારનો દંડ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ચોમાસા ની ઋતુ માં ભરાતા વરસાદી પાણી માં થતા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા પંચાયતની મેલેરિયા શાખા દ્વારા ચાલી રહેલી કામગીરી અંતર્ગત વિજાપુર તાલુકાના આગલોડ સ્થિત સાબરમતી મિલ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મિલ પરિસરમાં મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ ઉત્પત્તિ સ્થળો મળી આવતા “ગુજરાત વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ રેગ્યુલેશન-2017” તેમજ રાજ્ય સરકારના તા. 7 એપ્રિલ, 2017ના નોટિફિકેશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન પીએચસી ફાલુની ટીમ દ્વારા નિયમોનું ઉલ્લંઘન બદલ સાબરમતી મિલ પાસેથી રૂ. 5,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા મેલેરિયા શાખાએ ઉદ્યોગો, સંસ્થાઓ તેમજ નાગરિકોને અપીલ કરી છે કે પરિસરમાં પાણી ભરાઈ ન રહે તે માટે જરૂરી તકેદારી રાખે, જેથી મચ્છરોના પ્રજનનને રોકી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય તે માટે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.





