
સંગીતની સૂરાવલી સાથે સેવાની સુવાસઃ વિજાપુરના મોતીપુરા વૃદ્ધાશ્રમમાં 28 વડીલો સાથે ‘ન્યૂકરાઓકે ફેમિલી’નો 13મો સેવા કાર્યક્રમ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સંગીતના માધ્યમથી સમાજસેવાનો સંદેશો આપતા ન્યૂ કરાઓકે ફેમિલી ગ્રુપ, વિસનગર દ્વારા સંગીત થકી સેવાનો 13મો કાર્યક્રમ વિજાપુર તાલુકાના મોતીપુરા ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ 28 વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
ગ્રુપના સભ્ય રાકેશભાઈ મોદી દ્વારા વડીલોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત આશ્રમના રસોડામાં ઈડલી અને ઢોકળા બનાવવા માટે ઉપયોગી જમ્બો કુકર પણ ગ્રુપના સભ્યોના આર્થિક સહયોગથી અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગ્રુપના સભ્યોએ વડીલો સમક્ષ જૂના યાદગાર ગીતોની સંગીતમય રજૂઆત કરી હતી. સંગીતના સૂર સાથે વડીલોના ચહેરા પર જોવા મળેલું સ્મિત કાર્યક્રમની સૌથી મોટી ખુશી બની રહ્યું હતું. સંગીત અને સેવાના આ અનોખા સંગમથી ઉપસ્થિત સૌએ ધન્યતા અનુભવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જાણીતા બિલ્ડર અને લોકસેવક જગદીશભાઈ પંચાલનો મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. તેઓ કાર્યક્રમના અંત સુધી ઉપસ્થિત રહી વડીલો તેમજ ગ્રુપના સભ્યોને વડીલો ને છેલ્લે સુધી પ્રોત્સાહિત કર્યા હતા.
ગ્રુપના સભ્યોના આર્થિક સહયોગથી સમગ્ર સેવા કાર્ય સફળ બન્યું હતું. ગ્રુપના એડમિન હરેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “અમારા ગ્રુપ દ્વારા તમામ સેવાભાવી સંસ્થાઓ માટે સંગીતના કાર્યક્રમો તદ્દન નિશુલ્ક કરવામાં આવે છે. સંગીત માત્ર મનોરંજનનું સાધન નહીં, પરંતુ જરૂરિયાતમંદો સુધી ખુશી પહોંચાડવાનું પણ માધ્યમ બની શકે તેવો અમારો પ્રયાસ છે.”
સંગીતના સૂર સાથે વડીલોના ચહેરા પર ખીલેલું સ્મિત જોઈ સેવા કાર્ય સાથે જોડાયેલા સૌ સભ્યોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.





