MEHSANAVIJAPUR

વડાસણ ગામે ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક X-Ray કેમ્પ યોજાયો લાંબા સમયથી ઉધરસ, તાવ કે શ્વાસની તકલીફ ધરાવતા સહિત જોખમ ધરાવતા લોકોને તપાસનો લાભ લેવા અપીલ

વડાસણ ગામે ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક X-Ray કેમ્પ યોજાયોલાંબા સમયથી ઉધરસ, તાવ કે શ્વાસની તકલીફ ધરાવતા સહિત જોખમ ધરાવતા લોકોને તપાસનો લાભ લેવા અપીલ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર

ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિજાપુર તાલુકા ના ડાભલા જિલ્લા પંચાયત સીટના વડાસણ ગામ ખાતે ક્ષયરોગ (ટી.બી.)ની વહેલી ઓળખ અને સમયસર સારવારના હેતુસર નિઃશુલ્ક ફેફસાના X-Ray કેમ્પનું આયોજન જિલ્લા ક્ષય અધિકારી મહેસાણા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સદસ્ય રેખાબા કનકસિંહ વિહોલ આ પ્રસંગે હાજરી આપી હતી. આ કેમ્પમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામજનોની આરોગ્ય તપાસ કરી જરૂરી 87 જેટલા લાભાર્થીઓના છાતીના X-Ray કરવામાં આવ્યા હતા.

કેમ્પમાં ખાસ કરીને લાંબા સમયથી ઉધરસ રહેતી હોય, વજન ઓછું થતું હોય અથવા વધતું ન હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, વધુ પડતો થાક લાગતો હોય, લાંબા સમયથી તાવ રહેતો હોય અથવા ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું હોય તેવા લોકોને તપાસ કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત દારૂ, બીડી, સિગારેટ કે તમાકુનું સેવન કરતા લોકો તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના અને બીપી-ડાયાબિટીસની દવા લેતા લોકોને પણ X-Ray કરાવવા અપીલ કરવામાં આવી હતી.

છેલ્લા પાંચ વર્ષમાં ટી.બી.ની સારવારનો કોર્સ પૂર્ણ કરનાર વ્યક્તિઓ તેમજ તેમના ઘરમાં રહેતા તમામ સભ્યોને પણ આ તપાસનો લાભ લેવા જણાવાયું હતું. આરોગ્ય વિભાગની ટીમે સંભવિત ટી.બી.ના લક્ષણો ધરાવતા વ્યક્તિઓની ઓળખ કરી તેમને આગળની જરૂરી તપાસ અને સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓએ ગ્રામજનોને ટી.બી.ના લક્ષણો, સમયસર તપાસ અને નિયમિત સારવાર અંગે માહિતી આપી જનજાગૃતિ ફેલાવી હતી. **“ટી.બી. હારશે, દેશ જીતશે”**ના સંકલ્પ સાથે ટી.બી. મુક્ત ભારતના નિર્માણ માટે આરોગ્ય વિભાગ દ્વારા આવી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!