
કુમળા બાળકોના આરોગ્ય સાથે ચેડાં? વિજાપુર ગણેશપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના લોટમાંથી ધનેરા નીકળતાં ચકચાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સરકાર દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ વિજાપુર તાલુકાના ગણેશપુરા પ્રાથમિક શાળામાં આ યોજનાની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શાળામાં મધ્યાહન ભોજન માટે વપરાતા લોટમાંથી ધનેરા (જીવાત) નીકળ્યાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓ અને ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજન માટે ઉપયોગમાં લેવાતા લોટની તપાસ દરમિયાન તેમાં ધનેરા જોવા મળ્યા હતા. આ ઘટનાએ શાળામાં અભ્યાસ કરતા કુમળા બાળકોના આરોગ્ય સામે ખતરો ઊભો કર્યો હોવાની ચર્ચા જગાવી છે. બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને તેની નિયમિત ચકાસણી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે.

ગ્રામજનો અને વાલીઓએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન જેવી મહત્વપૂર્ણ યોજનામાં આવી બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે સીધી રીતે સંકળાયેલા મુદ્દે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
આ ઘટનાને પગલે મધ્યાહન ભોજનના સંચાલન સાથે જોડાયેલા જવાબદાર સંચાલકોની બેદરકારી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ ભોજન માટે વપરાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.
હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ વિભાગ અને સંબંધિત તંત્ર આ મામલે કેટલી ગંભીરતા દાખવી વિદ્યાર્થીઓના આરોગ્યની સુરક્ષા માટે શું પગલાં ભરે છે.
……..મામલતદાર દ્વ્રારા કાર્યવાહી કરાઈ……..
(ગણેશપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં ધાનેરા પ્રકરણ : સંચાલક અને રસોઈયા રિમૂવ)
વિજાપુર તાલુકાના ગણેશપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે વપરાતા ઘઉં અને ચોખામાં ધાનેરા નીકળવાની ઘટનાને લઈ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર એ.પી. ભાટી, નાયબ મામલતદાર શીતલબેન જાની અને લતાબેન પરમારે સ્થળ તપાસ કરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વેકેશન પહેલાં જૂના અનાજના જથ્થાનો નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હોવા છતાં સંચાલક અને રસોઈયાએ જૂનો જથ્થો સંગ્રહમાં રાખીને તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે તંત્ર દ્વારા ઘઉં 13.500 કિલો અને ચોખા 6.500 કિલોનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
મામલતદાર એ.પી. ભાટીના જણાવ્યા મુજબ ઘટનાને ગંભીરતાથી લઈ મધ્યાહન ભોજનના સંચાલક અને રસોઈયાને તાત્કાલિક રિમૂવ કરવામાં આવ્યા છે તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગણેશપુરા પ્રાથમિક શાળામાં 133 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેથી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે તેવો તંત્રનો કડક સંદેશ આપવામાં આવ્યો છે.)




