
વિજાપુર તાલુકાના જુના ફુદેડામાં દારૂબંધી માટે ગ્રામજનોની જનતા રેડ
મહિલાઓ-યુવાનો સહિત ગ્રામજનોએ ખુલ્લેઆમ ચાલતા દારૂના વેચાણ સામે શરૂ કર્યું અભિયાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના જુના ફુદેડા ગામમાં વર્ષોથી ચાલી રહેલા દેશી અને વિદેશી દારૂના ખુલ્લા વેચાણ સામે હવે ગ્રામજનો જાગૃત બન્યા છે. ગામના લોકો દ્વારા એકજૂટ થઈ “જનતા રેડ” કરીને દારૂબંધી માટે મજબૂત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગામની પ્રાથમિક શાળાની નજીક દારૂનું વેચાણ થતું હોવાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવા છતાં પોલીસ તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. વિજાપુર-લાડોલ પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ ગામલોકોએ કર્યા હતા.

ગામના જાગૃત યુવક તરુણ પટેલ દ્વારા ત્રણ વર્ષ અગાઉ દારૂબંધી માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે પૂરતો સહકાર ન મળતાં પ્રયાસ અધૂરો રહ્યો હતો. હવે સમગ્ર ગામ એક થઈ ફરીથી આ અભિયાનને આગળ વધારી રહ્યું છે. મહિલાઓ, યુવાનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ જનતા રેડમાં ભાગ લીધો હતો.
આ અભિયાનમાં સરપંચ, ઉપસરપંચ તેમજ આગેવાનો મુકેશભાઈ અને મનીષભાઈ પટેલ સહિત અનેક નાગરિકો જોડાયા હતા. ગ્રામજનોએ પોલીસ તંત્ર, મામલતદાર અને કલેક્ટર સમક્ષ ગામમાંથી દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગામલોકોએ જણાવ્યું હતું કે, “અમારે અમારા ગામને દારૂમુક્ત અને સ્વસ્થ બનાવવું છે. તંત્ર નિષ્ક્રિય રહેશે તો પણ ગ્રામજનો પોતે જાગૃત બની આ લડત ચાલુ રાખશે.” ગ્રામજનોના જણાવ્યા મુજબ દારૂબંધી માટેનું આ અભિયાન અનિશ્ચિત મુદત સુધી ચાલુ રહેશે તેવી પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.



