Rajkot: “આયુષ્માન” યોજનાના સથવારે જિંદગીની જંગ જીતતા મેવાસાના આસ્તિકભાઈ: કેન્સરની ૫ લાખથી વધુની સારવાર થઇ નિ:શુલ્ક
તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી
રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં ૨ લાખથી વધુ લોકોને મળી આયુષ્માન યોજના થકી નિ:શુલ્ક સારવાર
છેલ્લા ૧૦ માસમાં ૩૮૩૦થી વધુ કેન્સર દર્દીઓને મળ્યો લાભ
કેન્સરના મોટા ખર્ચે નિરાશા લાવી ત્યારે આયુષ્માન યોજના જીવનમાં સોનેરી સવાર લાવી – લાભાર્થી શ્રી આસ્તિક ગાલોરીયા
Rajkot: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી આરોગ્ય કવચ યોજના “પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના”દ્વારા ભારતમાં લોકોને આરોગ્યના સંકટ સમયે આર્થિક સંકટનો પણ સામનો ન કરવો પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. ભારતના કરોડો લોકો આજે આ યોજના હેઠળ લાખો રૂપિયાની સારવાર નિ:શુલ્ક લઈ દીર્ધાયુષ્ય મેળવી રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં “આયુષ્માન ભારત યોજના” હેઠળ ૨ કરોડ ૭૭ લાખ ૫૭ હજાર ૧૩૨ લોકો નોંધાયેલા છે, જેમાંથી ૪૫ લાખ ૪૬ હજાર ૮૩૨ લોકોએ નિ:શુલ્ક સારવારનો લાભ મેળવ્યો છે. રાજકોટ જિલ્લામાં કુલ ૧૫ લાખ ૪૮ હજાર ૭૨૭ લોકો આયુષ્માન યોજના અંતર્ગત જોડાયેલા છે. વર્ષ ૨૩-૨૪માં ૧ લાખ ૧૪ હજાર ૪૦ લોકોને રૂ. ૨૯,૯૧૩.૦૮ લાખની સારવાર નિ:શુલ્ક આપવામાં આવી હતી, જયારે જુલાઈ- ૨૦૨૪થી ૧૧ મે ૨૦૨૫ દરમ્યાનમાં જિલ્લાના ૮૮, ૮૭૫ લોકોને ૨૩,૬૨૩.૫૨ લાખની સારવાર થકી કુલ ૨વર્ષમાં કુલ ૨ લાખથી વધુ લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે.
રાજકોટ જિલ્લામાં આયુષ્માન યોજના અંતર્ગત છેલ્લા ૧૦ માસમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કેન્સરના ૪૨૫૩ દર્દીઓની ૬ કરોડ,૫૪ લાખ, ૩૫ હજાર ૮૮૨ના ખર્ચે સારવાર આપવામાં આવી છે ત્યારે જેતપુર તાલુકાના મેવાસા ગામના કેન્સર સર્વાઈવર શ્રી આસ્તિકભાઈ ગાલોરીયાએ કેન્સરની ગંભીર બીમારીમાં આયુષ્માન ભારત યોજનાના લાભ મળવાથી મોટું સંકટ ટળ્યું તેમ જણાવ્યું હતું.
મેવાસા ગામના આસ્તિકભાઈ ગાલોરીયાએ કહ્યું હતું કે, મને અંદાજે સાત વર્ષ પહેલા રિપોર્ટમાં કેન્સરનું નિદાન થયું હતું. મોઢાનું કેન્સર થતાં શરૂઆતની સારવાર લીધી પરંતુ કેન્સરથી મુક્ત થવા ઓપરેશન જરૂરી હતું, જ્યારે ઓપરેશનનો ખર્ચ જાણતા આવડો મોટો ખર્ચ હું કઈ રીતે કરી શકીશ? આ બીમારીમાંથી બહાર નીકળી શકીશ કે નહીં જેવા નિરાશાજનક વિચારો મને ઘેરી વળતા હતા પરંતુ આયુષ્માન યોજના વિશે જાણ થતા તાત્કાલિક જ તેનું કાર્ડ કઢાવી આ યોજનાનો મેં લાભ લીધો. કેન્સરના ઓપરેશન બાદ આજે હું તંદુરસ્ત જીવન જીવું છું, સાથે જ આસપાસના તમામ લોકોને તમાકુ, દારૂ કે કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા અપીલ કરું છું.
ડોક્ટરના મત અનુસાર આ માટેના ઓપરેશન અને કેન્સરની બાકી સારવારમાં અંદાજે ૫ લાખનો ખર્ચો થશે તેમ જણાવ્યું હતું, પરંતુ આ તમામ સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત તત્કાલ અને સંપૂર્ણ નિ:શુલ્ક થઈ.
આમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આયુષ્માન યોજના થકી સારવારનો તમામ ખર્ચ સરકારે આપી અમારા જેવા સાધારણ પરિવારના લોકોના સ્વાસ્થ્યની દરકાર લીધી છે.અમારી નબળી આર્થિક સ્થિતિમાં સ્વાસ્થ્યની તકલીફ સાથે અમારે આર્થિક ખેંચ ન ભોગવવી પડે તેવી વ્યવસ્થા ગોઠવી…કેન્સર શબ્દ સાંભળતા જીવનમાં નિરાશા ફેલાઈ ગઈ હતી પરંતુ સરકાર અમારા સંકટ સમયે અમારી સાથે ઉભી રહી અને આ યોજના મારા માટે નવી સોનેરી સવાર લાવી….આ બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભારી છું.
વધુમાં આસ્તિકભાઈએ મેવાસા ગામના સર્વે લોકોને આયુષ્માન કાર્ડ કઢાવી, પ્રધાનમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલ આ સુરક્ષા કવચનો સંકટ સમયે લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આયુષ્માન કાર્ડ ક્યાંથી કઢાવી શકાશે?
શહેર વિસ્તારના લોકો અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલ તેમજ ગ્રામ વિસ્તારના લોકો જે-તે વિસ્તારના આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામ પંચાયત ખાતેથી પણ આયુષ્માન કાર્ડ કઢાવવાની પ્રક્રિયા કરી શકે છે. આ ઉપરાંત સેવાસેતુ કાર્યક્રમમાં ગ્રામ વિસ્તારોમાં સ્થળ પર જ આયુષ્માન કાર્ડ કઢાવવાની પ્રક્રિયા કરાવી શકાય છે.
આવશ્યક દસ્તાવેજો:
રેશન કાર્ડ, આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, પાન કાર્ડ, આવકનુ પ્રમાણપત્ર, જાતિનો દાખલો જેવા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.