
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૭ જુલાઈ : ભુજ સ્મૃતિવન ખાતે પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છ જિલ્લાના ખેડૂતો સાથે પરિસંવાદ યોજીને તેમના પ્રશ્નોને ઉકેલવાની ખાતરી સાથે વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરવા અનુરોધ કર્યો હતો.આજના પરિસંવાદમાં પ્રભારીમંત્રીશ્રી તથા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને જમીન માપણી, સર્વે, શ્રીસરકાર જમીનની નિયમિતતા, નર્મદા કેનાલના અધૂરાકામ, નકશામાં સર્વે નંબર બેસાડવાની કામગીરી, વીજટાવર અને પવનચક્કી કામમાં વળતરની અસમાનતા સહિતના ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સાંભળીને તેને કિસાનોના હિતમાં તત્કાલ ઉકેલવા તથા વરસાદ ખેંચાતા સર્જાયેલી ઘાસ-ચારાની તંગીને નિવારવાની ખાતરી આપી હતી.આ પ્રસંગે તેમણે ધરતીપુત્રો સીધો સંવાદ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં કામગીરી કરવા કટિબદ્ધ છે, આર્થિક રીતે ખેડૂતોને મહત્તમ ફાયદો થાય તે માટે વિવિધ યોજનાના અમલીકરણ સાથે રાજ્ય સરકારે વીજટાવરના વળતર મુદે ચિંતા સેવીને નવા ખેડૂત હિતલક્ષી નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારની નીતિથી ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય તે માટે કોઇ બાંધછોડ નહીં કરાય તેવી ખાતરી પ્રભારીમંત્રીશ્રીએ આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિલમાં કચ્છ વસે છે, તેમણે કચ્છનું નવનિર્માણ કરીને આ જિલ્લા માટે વિકાસના નવા દ્વાર ખોલ્યા છે. નર્મદાના નીરના અવતરણથી લઇને ઉદ્યોગો થકી કચ્છની કાયાપલટ થઇ છે, બાગાયતી ક્ષેત્રે કચ્છ નામના ઉભી કરી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રયત્નોમાં સામાન્ય નાગરિક સાથે ખેડૂત પણ સહયોગી બને તે જરૂરી છે. તેમણે આ પ્રસંગે વરસાદી પાણીના દરેક ટીપાંને બચાવવા હાકલ કરતા, રહેણાંકથી લઇને ખેતી સુધી પાણીનો સંગ્રહ કરવા તથા ભૂગર્ભ જળની સપાટી વધારવાની દિશામાં કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.પરિસંવાદમાં કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ ખેડૂતોને સોલારપાર્કની વીજળી દેશના ખૂણે ખૂણે પહોંચાડવા હેતુ ઉભા કરતા વીજટાવર તથા કોરીડોરના વળતર મુદ્દે રાજ્ય સરકારના નવા પરિપત્ર અંગે સમજ સહિત માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરમાં ઉભા કરાતા વીજટાવર તથા કોરીડોર મુદે ખેડૂતોને ન્યાયિક વળતર મળે તે મુખ્યમંત્રીશ્રી ચિંતા સેવીને કમિટી રચવા નિર્ણય કર્યો છે. આ કમિટિમાં જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ પણ સામેલ હશે. આ કમિટીના ગઠન તથા તેની કામગીરી, વળતર સહિતના આનુસંગિક મુદાઓ અંગે કલેક્ટરશ્રીએ છણાવટ કરીને ખેડૂતોને એડવાન્સમાં નિયમ મુજબ મહત્તમ વળતર ચૂકવીને કામગીરી કરાશે તે અંગે કિસાનોને માહિતગાર કર્યા હતા. આ સાથે પાક વળતર, ઝાડ વળતર પણ અમલી નિયમ મુજબ આપવામાં આવશે તેવું કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.આજની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, સર્વે ધારાસભ્યોશ્રી કેશુભાઇ પટેલ, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મહાવીરસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી લક્ષ્મીબેન ખેતાણી, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, આગેવાનશ્રી ફલજીભાઈ ચોધરી, શ્રી દેવજીભાઈ વરચંદ સહિતના આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.





