GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના આંદરણા ગામે બંધ મકાનમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો: MPની રીઢા ચોરોની ગેંગના ૨ સભ્યો ઝબ્બે

 

MORBI:મોરબીના આંદરણા ગામે બંધ મકાનમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો: MPની રીઢા ચોરોની ગેંગના ૨ સભ્યો ઝબ્બે, રૂ. ૪.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત

 

મોરબી તાલુકાના આંદરણા ગામે બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણો અને રોકડ રકમની ચોરી કરનાર મધ્યપ્રદેશની રીઢા ચોરોની ગેંગનો મોરબી ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે બે પરપ્રાંતીય આરોપીઓની અટકાયત કરી રૂ. ૪,૫૩,૬૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ઘટનામાં સંકળાયેલા અન્ય ત્રણ સાગરીતોની ધરપકડ કરવા ચક્રગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર, આંદરણા ગામે રહેતા કમલેશભાઇ મેરામણભાઇ બોરાણાના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દરવાજાના નકુચા તોડી ઘૂસણખોરી કરી હતી અને કબાટના લોક તોડી સોના-ચાંદીના આભૂષણો, રોકડ રકમ તેમજ ઘડિયાળ મળી કુલ રૂ. ૭,૩૬,૯૦૦/- ની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

દિવસ દરમિયાન રેકી અને રાત્રે ચોરી: પોલીસ તપાસમાં ખુલી મોડસ ઓપરેન્ડી ઘરફોડ ચોરીની ગંભીરતાને ધ્યાને લઈ LCB પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. ટીમોએ આસપાસના સીસીટીવી ફુટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પરપ્રાંતીય મજૂરો પર નજર રાખી હતી. તપાસ દરમિયાન મોરબી-વાંકાનેર રોડ પર આવેલી ફેક્ટરીઓ સામે ઈંટોના ગડદા બનાવવાનું કામ કરતા પરપ્રાંતીય મજૂરો શંકાના ઘેરામાં આવ્યા હતા.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી (M.O.) અંગે જાણવા મળ્યું હતું કે તેઓ દિવસ દરમિયાન ગામડાઓમાં પગપાળા ફરીને બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રિના સમયે તાળા તોડી ચોરીને અંજામ આપતા હતા. સઘન પૂછપરછમાં આરોપીઓએ કુલ ૦૫ જણાએ ભેગા મળી આ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની એવા સમરસિંગ ઉર્ફે સમીર કાલુસિંગ દેવકા (ઉં.વ. ૩૩) અને સુરેશ ઉર્ફે સુરો ભુરસિંગ દેવકા (ઉં.વ. ૨૬) ની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય ત્રણ સાગરીતો અંતરસિંગ મકવાણા, રમેશ કાલુસિંગ દેવકા અને દિલીપ માના અનારે (તમામ રહે. મધ્યપ્રદેશ) ને પકડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે.પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોનાના મંગળસૂત્ર, બુટ્ટી, પેન્ડલ, ચેઇન, વીંટી, ચાંદીના કડા અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪,૫૩,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ઘટનાના પગલે મોરબી જિલ્લા પોલીસે નાગરિકોને સલાહ આપી છે કે કિંમતી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સુરક્ષિત રીતે બેંક લોકરમાં રાખવી. તેમજ જ્યારે પણ ઘર બંધ કરીને બહાર જવાનું થાય ત્યારે આજુબાજુના પાડોશીઓ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને અચૂક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!