HALVAD:હળવદ: ‘લોટ્સ સ્પા’ માં મોરબી એસ.ઓ.જી.નું સરપ્રાઇઝ ચેકિંગ, જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો દાખલ

HALVAD:હળવદ: ‘લોટ્સ સ્પા’ માં મોરબી એસ.ઓ.જી.નું સરપ્રાઇઝ ચેકિંગ, જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો દાખલ
હળવદની સરા ચોકડી પાસે આવેલા એક સ્પામાં મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસે સઘન ચેકિંગ હાથ ધરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. સ્પામાં કામ કરતા કર્મચારીઓની પોલીસ સ્ટેશનમાં ફરજિયાત નોંધણી ન કરાવી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે હળવદ સરા ચોકડી ક્રોસ રોડ પર હોટેલ પાછળ આવેલા કોમ્પ્લેક્સની દુકાન નંબર ૧૧૨ માં કાર્યરત ‘લોટ્સ સ્પા’ માં ઓચિંતી તપાસ (સરપ્રાઇઝ ચેકિંગ) હાથ ધરી હતી.
પોલીસે સ્પાના રિસેપ્શન કાઉન્ટર પર હાજર સંચાલક મંગાભાઈ હિરાભાઈ રાજપરા (ઉં.વ. ૩૯, રહે. હળવદ બસ સ્ટેશન પાછળ) ની પૂછપરછ કરી સ્પાના લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, સ્પામાં કામ કરતા કર્મચારીઓના બાયોડેટા ફોર્મ ભરીને નિયમ મુજબ પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવામાં આવી ન હતી.સંચાલકે બે કર્મચારીઓની માહિતી છુપાવીને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામા નંબર એમએજી-૨/સ્પા પાર્લર/જા.નામુ/૨૯૦૫(૭)/૨૦૨૬ નું સરેઆમ ઉલ્લંઘન કર્યું હોવાનું પંચોની રૂબરૂમાં સાબિત થયું હતું. આ બેદરકારી બદલ પોલીસે જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે બી.એન.એસ. કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






