MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં મકાન પોતાના નામે કરાવવા સગા ભાઈનું અપહરણ કરી કાગળો પર અંગૂઠા લેવડાવ્યા, પિતા-પુત્ર સામે ગુનો દાખલ.

 

MORBI:મોરબીમાં મકાન પોતાના નામે કરાવવા સગા ભાઈનું અપહરણ કરી કાગળો પર અંગૂઠા લેવડાવ્યા, પિતા-પુત્ર સામે ગુનો દાખલ.

બળજબરીપૂર્વક સ્ટેમ્પ પેપર પર સહી-અંગૂઠા કરાવી લેન્ડ ગ્રેબિંગનો પ્રયાસ

મોરબી તાલુકા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

મોરબીમાં મિલકતની ભૂખમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યુતનગર વિસ્તારમાં આવેલા ભાયુ ભાગના મકાનને પોતાના નામે કરાવી લેવા માટે સગા ભાઈ અને ભત્રીજાએ થઈને એક પ્રૌઢનું મોટરસાયકલ પર અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેમને એકાંત સ્થળે લઈ જઈ લાકડાના ધોકાથી બેરહેમ માર મારી, બળજબરીપૂર્વક સ્ટેમ્પ પેપર પર સહી અને અંગૂઠાના નિશાન કરાવી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબીના શનાળા રોડ પર આવેલી યદુનંદન સોસાયટી (ઉમિયા સર્કલ નજીક)માં રહેતા વાસુરભાઈ સામંતભાઈ સોઢીયા (ઉં.વ. ૫૦) એ તેમના મોટા ભાઈ મગનભાઈ સોઢીયા અને ભત્રીજા રાજન સોઢીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિદ્યુતનગર વિસ્તારમાં આવેલ ભાયુ ભાગના (વારસાઈ) મકાનને પોતાના નામે કરી આપવા મુદ્દે બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી ડખો ચાલતો હતો. ગત તારીખ ૧૧/૦૬ના રોજ બપોરે વાસુરભાઈ લાલપર ગામની સીમમાં આવેલી એક ફેક્ટરી પાસે હતા, ત્યારે તેમના ભાઈ મગનભાઈ અને ભત્રીજો રાજન મોટરસાયકલ લઈને ત્યાં ધસી આવ્યા હતા. તેમણે મકાન પોતાના નામે કરી આપવા દબાણ કર્યું હતું, પરંતુ વાસુરભાઈએ ના પાડતા બંને નરાધમોએ તેમનું બળજબરીથી મોટરસાયકલ પર અપહરણ કર્યું હતું.

આરોપીઓ વાસુરભાઈને જાંબુડિયા બ્રિજ નજીક એક અવાવરું અને એકાંત સ્થળે લઈ ગયા હતા. ત્યાં તેમણે વાસુરભાઈને લાકડાના ધોકા વડે પગના ભાગે આડેધડ ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ પોતાની સાથે લાવેલા સ્ટેમ્પ પેપર (લેન્ડ ગ્રેબિંગના કાગળો) પર ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક સહીઓ તેમજ અંગૂઠાના નિશાન લઈ લીધા હતા.

આ ચકચારી બનાવ અંગે ભોગ બનનાર વાસુરભાઈ સોઢીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિતા-પુત્ર (મગન સોઢીયા અને રાજન સોઢીયા) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ અપહરણ, મારપીટ અને બળજબરીપૂર્વક લખાણ કરાવી લેવાનો ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!