Rajkot: ડી.જી.પી. શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજકોટમાં ૭૪મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો શુભારંભ

તા.૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ભારતીય ખેલ હોકીની ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવી રહી છે પોલીસ જવાનોની ખેલ પ્રતિભા
પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય
રાજકોટ ખાતે પોલીસ બેન્ડની સુરાવલી, સાંસ્કૃતિક કાર્યક્રમ, માર્ચ પાસ્ટ સાથે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો
રાજકોટના હોકી ગ્રાઉન્ડ ખાતે ૨૪ પુરુષ ટીમ અને ૦૮ મહિલા ટીમ વચ્ચે ૧૪ ડિસેમ્બર સુધી સ્પર્ધા યોજાશે
Rajkot: પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજરોજ ગુજરાત માટે ગૌરવ સમાન ૭૪મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬નો રંગારંગ શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટના રેસકોર્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિભિન્ન પ્રાંતમાંથી આવેલા પોલીસ જવાનો અને સુરક્ષા દળોના ખેલાડીઓની માર્ચ પાસ્ટ, પોલીસ બેન્ડની સુરાવલી, અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે આજથી તા. ૧૪ ડિસેમ્બર સુધી ૫૬ જેટલા મેચ રાજકોટ ખાતે યોજાશે.
આ તકે ડી.જી.પી.શ્રી વિકાસ સહાયે તેમના ઉદબોધનમાં ભારતીય ખેલ હોકીની ગૌરવશાળી પરંપરાના ધરોહર શ્રી મેજર ધ્યાનચંદને યાદ કરી જણાવ્યું હતું કે, સુરક્ષા દળોના જવાનો, પોલીસકર્મીઓની કોર વેલ્યુઝ એવી સંકલન, ટીમ ભાવના, એકતા અને અનુસાશન તથા ગોલ કેન્દ્રિત ડેડિકેશનના ગુણો રમતમાં પણ તેમનું કૌશલ્ય ઉજાગર કરવામાં મદદરૂપ બને છે. પોલીસ જવાનો રમત-ગમત અને ખાસ કરીને હોકીમાં રાષ્ટ્રની પરંપરાને આગળ ધપાવી રહ્યા હોવાનું તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ વિભાગ હસ્તકના ઓલ ઇન્ડિયા પોલીસ કંટ્રોલ બોર્ડ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાની રમતના આયોજન થકી જવાનોની ખેલ પ્રતિભાને બહાર લાવવાનું કાર્ય કરે છે, ત્યારે બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય પોલીસ હોકી ચેમ્પિયનશિપની યજમાની આપવા બદલ શ્રી સહાયે તેમનો આભાર માન્યો હતો.
સાથોસાથ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ રમતગમતના શ્રેષ્ઠ આયોજન થકી આ લીગને પણ સફળતાપૂર્વક આગળ ધપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હોકી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે રાજકોટની જનતા પણ આ ચેમ્પિયનશિપને નિહાળી શકશે તેમ જણાવતાં શ્રી વિકાસ સહાયે રાજકોટ પોલીસને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
આ તકે ડી.જી.પી. (આર્મસ) શ્રી રાજુ ભાર્ગવે સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર સેવામાં હંમેશા તત્પર સુરક્ષા જવાનો ટીમ વર્ક, રણનીતિ, ગતિ, એકતા અને સન્માનની ભાવનાના ગુણ સાથે ખેલ પ્રતિભામાં પણ હંમેશા દેશનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે તેમણે તમામ ખેલાડીઓને હાર જીતથી ઉપર ઉઠી ખેલ ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અપીલ કરી હતી.
આ લીગમાં આધુનિક સુવિધાઓ સાથેના આંતરરાષ્ટ્રીય સ્તરનું મેદાન ધરાવતા મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ, રેસકોર્સ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત હોકી ગ્રાઉન્ડ ખાતે ૩૦૦થી વધુ ખેલાડીઓ વચ્ચે ૫૬ જેટલી હોકી સ્પર્ધાઓ યોજાશે.
ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભારતભરના વિવિધ રાજ્યના પોલીસ દળો, કેન્દ્ર સરકારના અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની કુલ ૩૨ ટીમો ભાગ લેશે, જેમાં ૨૪ પુરુષ ટીમો અને ૦૮ મહિલા ટીમોનો સમાવેશ થાય છે. ભારતની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપતા દળોના ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્ટ પ્રતિભા રજૂ કરવાનું એક મહત્વનું મંચ સાબિત થશે.
કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા એવા ઉત્તરપ્રદેશના હોકી ખેલાડી શ્રી લલિતકુમાર ઉપાધ્યાયનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓએ ખેલ અંગેના શપથ લીધા હતાં. કાર્યક્રમના અંતે અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાએ ભારત દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા ખેલાડીઓ, કોચ તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
શુભારંભ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, એડિશનલ ડી.જી.પી. શ્રી પી.કે રોશન, પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રીજીનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેશ જાની, રેન્જ આઇ.જી શ્રી અશોકકુમાર યાદવ, ડી.સી.પી. શ્રી જગદીશ બંગરવા, શ્રી હેતલ પટેલ સહિત રાજકોટ પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ સહિત વિભિન્ન પ્રાંતમાંથી આવેલા કોચ, પોલીસ જવાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.












