MORBI:મોરબીમાં ૦૬ જૂને યોજાશે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર; ૩૦ જેટલી નામાંકિત ખાનગી કંપનીઓ આપશે રોજગારી







MORBI:મોરબીમાં ૦૬ જૂને યોજાશે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર; ૩૦ જેટલી નામાંકિત ખાનગી કંપનીઓ આપશે રોજગારી


૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા ધોરણ-૧૦, ૧૨, આઇ.ટી.આઇ. અને સ્નાતક ઉમેદવારો માટે સારી તક
મોરબી અને આજુબાજુના વિસ્તારના રોજગાર ઈચ્છુક યુવા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રે રોજગારીની તકો પૂરી પાડવા માટે નિયામકશ્રી, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ‘પંચમુખી હનુમાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હોલ’ (વેજીટેબલ રોડ, ઉમા સંકુલ સામે, મોરબી) ખાતે જિલ્લા કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરાયું છે.
આ ભરતીમેળામાં મોરબી તેમજ કચ્છ જિલ્લાની અંદાજે ૩૦ જેટલી નામાંકિત ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને લાયક ઉમેદવારોની વિનામૂલ્યે સીધી પસંદગી કરશે. આ ભરતીમેળામાં નોન-મેટ્રિક, એસ.એસ.સી. (ધોરણ-૧૦), એચ.એસ.સી. (ધોરણ-૧૨), આઇ.ટી.આઇ. (ITI) તેમજ સ્નાતક (Graduate) વગેરેની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ જોબફેરમાં ભાગ લઈ શકશે.
રસ ધરાવતા તમામ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, ઓળખકાર્ડ અને બાયોડેટાની નકલો સાથે નિયત સમયે અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. વિશેષ નોંધનીય છે કે, જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉ નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતીમેળામાં પ્રત્યક્ષ હાજર રહીને રોજગારીની આ તક ઝડપી શકશે.



