MORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મિતાણા બ્રિજ પાસે ફોર્ચ્યુનર ચાલકની દાદાગીરી, મોરબીના વેપારીને માર માર્યો

 

MORBI:મિતાણા બ્રિજ પાસે ફોર્ચ્યુનર ચાલકની દાદાગીરી, મોરબીના વેપારીને માર માર્યો

રાજકોટ-મોરબી હાઇવે પર મિતાણા બ્રિજ નજીક અન્ય વાહનચાલક સાથે માથાકૂટ કરી રહેલા એક ફોરચ્યુનર કારના ચાલકને સમજાવવા જવું મોરબીના પ્રતિષ્ઠિત વેપારીને ભારે પડ્યું છે. ઉશ્કેરાયેલા ફોરચ્યુનર ચાલકે વેપારીને ગાળો ભાંડી મોઢાના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, પોતાની કાર બેફામ ગતિએ રિવર્સમાં ચલાવી વેપારીની મોંઘીદાટ ઇલેક્ટ્રિક કાર સાથે ભટકાડી દઈ મોટું નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ ઘુંટુ ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ ગોલ્ડન એલીટા (બહુચર માતાજીના મંદિર પાછળ) વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા ૪૩ વર્ષીય દિપકભાઇ દેવજીભાઈ વિરપરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગઈકાલે જ્યારે તેઓ મિતાણા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડ પર ફોરચ્યુનર કાર (રજીસ્ટર નંબર: GJ-36-AP-2728) ના ચાલકે અન્ય એક વાહનચાલક સાથે ઝઘડો આદર્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય અને મામલો શાંત પડે તેવા આશયથી દીપકભાઈ ગાડી સાઇડમાં રાખીને ફોરચ્યુનર ચાલકને સમજાવવા માટે ગયા હતા.

વેપારી સમજાવવા જતાં જ આરોપી ફોરચ્યુનર ચાલક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને દીપકભાઈને બેફામ ગાળો આપવા લાગ્યો હતો. ઉશ્કેરાટમાં આવીને આરોપીએ વેપારીના મોઢાના ભાગે ઢીકાઓ મારીને શારીરિક ઈજા પહોંચાડી હતી.

માર માર્યા બાદ પણ આરોપીનો ગુસ્સો શાંત થયો ન હતો. તેણે પોતાના હવાલાવાળી ફોરચ્યુનર કારને પૂરઝડપે અને ગફલતભરી રીતે રિવર્સમાં ચલાવી દીપકભાઈની મહિન્દ્રા કંપનીની બી.ઇ.સિક્સ ઇલેક્ટ્રીક કાર (રજીસ્ટર નંબર: GJ-36-AR-2061) ના આગળના ભાગે જોરદાર ભટકાડી દીધી હતી. આ અકસ્માતને કારણે વેપારીની કારના આગળના બોનેટના ભાગે મોટું નુકસાન થયું હતું. ઘટના બાદ આરોપી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલે ભોગ બનનાર વેપારી દિપકભાઇ વિરપરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફોરચ્યુનર કારના ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી, વાહનના નંબરના આધારે ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!