MORBI:મોરબીના કેપિટલ માર્કેટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: બે આરોપીઓના નામ ખુલ્યા

MORBI:મોરબીના કેપિટલ માર્કેટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: બે આરોપીઓના નામ ખુલ્યા
મોરબી શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂના ગેરકાયદે વેચાણ સામે લાલઆંખ કરી રહેલી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલી એક દુકાનમાંથી વિદેશી દારૂની ૩૭ બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે સાગરીતોના નામ ખુલતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રવાપર ચોકડી સ્થિત કેપિટલ માર્કેટના ચોથા માળે આવેલી એફ-૫૦ નંબરની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૭ (કિંમત રૂ. ૩૨,૪૫૩) નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી આરોપી ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો દાનાભાઈ જારીયા (રહે. તુલસી પાર્ક સોસાયટી, શનાળા રોડ બાયપાસ, મોરબી) ને ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આ ગેરકાયદે પ્રવૃત્તિમાં અન્ય બે ઈસમો મહેશભાઈ દાનાભાઈ જારીયા (રહે. રવાપર ગામ, મોરબી) અને ધવલભાઈ પરમાર (રહે. રાજકોટ) ની સંડોવણી હોવાનું ખુલવા પામ્યું હતું.
આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ તેજ કરી છે.









