MORBI:મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને વાસ્મો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ




MORBI:મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને વાસ્મો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ

ગ્રામ્ય સ્તરે પાણી પુરવઠાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
જિલ્લાના છેવાડાના ગામોને શુદ્ધ પેયજળ પૂરું પાડવા હકારાત્મક અભિગમ સાથે ઉનાળા પૂર્વે જળ વ્યવસ્થાપન સુદ્રઢ કરવા ખાસ સુચના અપાઈ
રણકાંઠાના વિસ્તારોમાં પાણીની સુનિશ્ચિતતા માટે પ્રાધાન્ય આપવા પર ભાર મુકાયો
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ વ્યાપક અને સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) અને જિલ્લા જલ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સુવિધા માટે પાણી પુરવઠાના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન હળવદ તાલુકાના કોયબા (હરિપર) ખાતે બોર શારકામ અને પમ્પિંગ મશીનરી તેમજ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે હયાત બોર પર નવી મશીનરી બેસાડવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ રણકાંઠાના છેવાડાના ગામોમાં પીવાના પાણી કોઈ સમસ્યા ન આવે તે બાબતે ખાસ સૂચના આપી હતી. ઉપરાંત ઘોડાધ્રોઈ ડેમ આધારિત ૮ ગામોના જૂથ માટેની યોજના અને માળિયા-હળવદ તાલુકાની વિવિધ રજૂઆતોના હકારાત્મક નિકાલ તથા જલ અર્પણ કાર્યક્રમ અને ગતિ શક્તિ પોર્ટલની પ્રગતિ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.એસ. ગઢવી, જિલ્લા પાણી પુરવઠા અધિકારી અને વાસ્મોના યુનિટ મેનેજરશ્રી એમ.એસ. દામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.વી. શ્રીવસ્તાવ અને સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



