HALVAD:હળવદના ઘનશ્યામપુરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

HALVAD:હળવદના ઘનશ્યામપુરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: પોલીસે ૯૪ બોટલ જપ્ત કરી
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને પડેતર મકાનમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે રૂ. ૧૩,૦૦૦થી વધુની કિંમતની ૯૪ બોટલ સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે ઘનશ્યામપુર ગામની પીપરાવાળી શેરીમાં રહેતો લાલજીભાઈ બન્નુભાઈ રાઠોડ પોતાના ઘરની બાજુમાં આવેલા એક પડેતર મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઉક્ત પડેતર મકાનમાં દરોડો પાડ્યો હતો. તલાશી દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની કુલ ૯૪ બોટલો (કિંમત રૂ. ૧૩,૧૬૦) મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી લાલજીભાઈ રાઠોડની સ્થળ પરથી જ અટકાયત કરી હતી.આ મામલે હળવદ પોલીસે આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તજવીજ હાથ ધરી છે.










