MORBI:મોરબીના જોધપર (નદી) ગામના ખેડૂતની નજર સામેથી બાઇકની ઉઠાંતરી: પોલીસ ફરિયાદ દાખલ




MORBI:મોરબીના જોધપર (નદી) ગામના ખેડૂતની નજર સામેથી બાઇકની ઉઠાંતરી: પોલીસ ફરિયાદ દાખલ

મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે રહેતા એક ખેડૂતની નજર સામેથી જ એક અજાણ્યો તસ્કર બાઇક ચોરીને રફુચક્કર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. વાડી પાસે પાર્ક કરેલું મોટરસાઇકલ ચાલુ થવાનો અવાજ આવતા જ ખેડૂત દોડી આવ્યા હતા, પરંતુ બૂમાબૂમ કરવા છતાં લાલ શર્ટ પહેરેલો ચોર બાઇક લઈને ભાગી છૂટ્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જોધપર (નદી) ગામે રહેતા અને ખેતીકામ કરતા વાસુદેવભાઇ બચુભાઈ રાજપરા (ઉં.વ. ૪૮) પોતાનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ (રજી. નંબર: GJ-03-DE-3869, કિંમત રૂ. ૧૫,૦૦૦) લઈને ગામની સીમમાં રફાળેશ્વર રોડ પર આવેલી પોતાની વાડીએ ગયા હતા. તેમણે પોતાનું બાઇક વાડીની બહાર પાર્ક કર્યું હતું અને પોતે અંદર કામ કરવા માટે ગયા હતા.
તેઓ અંદર ગયા વહેતા માંડ દશેક મિનિટ જેટલો સમય થયો હશે ત્યાં જ અચાનક બહાર બાઇક સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો હતો. અવાજ સાંભળીને વાસુદેવભાઇ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.
તેમણે બહાર આવીને જોયું તો એક અજાણ્યો લાલ શર્ટવાળો શખ્સ તેમનું બાઇક ચાલુ કરીને ભાગી રહ્યો હતો. ખેડૂતે તેને પકડવા માટે પાછળ બૂમો પણ પાડી હતી, પરંતુ ચોર વાહન રોકવાને બદલે સ્પીડમાં બાઇક ભગાડીને નાસી છૂટ્યો હતો.આ સમગ્ર મામલે વાસુદેવભાઇ રાજપરાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે ગુનો નોંધીને તસ્કરને ઝડપી પાડવા માટે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે



