MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જૂની અદાવતનો ખાર રાખી પિતા-પુત્રએ યુવક પર કર્યો જીવલેણ હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

 

MORBI:મોરબી જૂની અદાવતનો ખાર રાખી પિતા-પુત્રએ યુવક પર કર્યો જીવલેણ હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

 

 

મોરબીના વેજીટેબલ રોડ પર જૂની બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર પિતા-પુત્ર દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના વેજીટેબલ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને વેલ્ડિંગનું કામ કરીને ગુજરાન ચલાવતા જગદીશભાઈ ધીરુભાઈ રેણુકા (ઉં.વ. ૨૫) નામના યુવકને ત્યાં જ રહેતા દિલીપ બાવાજી નામના વ્યક્તિ સાથે અગાઉ કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ જગદીશભાઈ આરોપી દિલીપ સાથે બોલતા ન હતા.

ગઈકાલે રાત્રે જ્યારે જગદીશભાઈ વેજીટેબલ રોડ પર આવેલી શિવધારા સોસાયટીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ બાબતનો ખાર રાખીને આરોપી દિલીપ બાવાજીએ તેમને જાહેરમાં ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જગદીશભાઈએ ગાળો બોલવાની ના પાડતા જ મામલો બિચક્યો હતો.

ઝઘડો ઉગ્ર બનતા આરોપી દિલીપ બાવાજીએ ગાડીના પટ્ટા ટાઈટ કરવાના લોખંડના બકલ વડે જગદીશભાઈ પર તૂટી પડ્યો હતો. તેણે જગદીશભાઈના બંને પગના ઢીંચણના ભાગે, ડાબા હાથની કોણીએ તેમજ મોઢા પર હોઠના ભાગે પટ્ટાના આડેધડ ફટકા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન દિલીપનો પુત્ર રાજુ દિલીપભાઈ બાવાજી પણ ત્યાં ધસી આવ્યો હતો અને તેણે ઈંટના કટકા વડે જગદીશભાઈના માથાના ભાગે ફટકો મારી લોહીલુહાણ કરી દીધા હતા.

પિતા-પુત્ર બંનેએ ભેગા મળીને યુવકને શરીરે મૂઢ માર માર્યો હતો અને અવાજ કરશો તો ‘જાનથી પતાવી દઈશું’ તેવી ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.હુમલામાં ઘવાયેલા જગદીશભાઈ રેણુકાએ આ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પિતા-પુત્ર (૧) દિલીપ બાવાજી અને (૨) રાજુ દિલીપભાઈ બાવાજી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!