MORBI:મોરબીના વીશીપરામાં મજૂરીકામ માટે બેઠેલા બે મિત્રો પર છરી વડે હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ




MORBI:મોરબીના વીશીપરામાં મજૂરીકામ માટે બેઠેલા બે મિત્રો પર છરી વડે હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી: શહેરના વીશીપરા વિસ્તારમાં વહેલી સવારે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મજૂરીકામ માટે બેઠેલા બે મિત્રો પર બે શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

વીશીપરાની પંચની માતાવાળી શેરીમાં રહેતા પિન્ટુભાઈ ભરતભાઈ ઘટોલીયા (ઉં.વ. ૨૮) અને તેમનો મિત્ર વહેલી સવારના સમયે વીશીપરા મેઇન રોડ પર આવેલી ડીલક્ષ પાન પાસે મજૂરીકામની શોધમાં બેઠા હતા. આ દરમિયાન ત્યાં મોટરસાયકલ પર આવેલા વસીમ યુનુસભાઈ સેડાત અને જાવેદ ઇકબાલભાઈ મોવર નામના બે શખ્સોએ તેમને અહીં બેસવાનું કારણ પૂછ્યું હતું.પિન્ટુભાઈએ તેઓ કામની શોધમાં બેઠા હોવાનું જણાવતા, આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી શરૂ કરી હતી. જ્યારે પિન્ટુભાઈએ ગાળો આપવાની ના પાડી, ત્યારે મામલો વધુ બિચક્યો હતો અને આરોપીઓએ હુમલો કરી દીધો હતો.હિંસક બનેલા હુમલાખોરો પૈકી આરોપી જાવેદે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી પિન્ટુભાઈના વાંસાના ભાગે અને તેમના મિત્રના ખભાના ભાગે ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ ઘટના અંગે પિન્ટુભાઈ ઘટોલીયાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે રાયોટિંગ અને હુમલાની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.




