GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:અનાથ દીકરીઓને IAS-IPS બનાવવાનો સંકલ્પ:મોરબીના શિક્ષણવિદ્ ટી. ડી. પટેલનો અનોખો સમાજસેવા પ્રોજેક્ટ

 

અનાથ દીકરીઓને IAS-IPS બનાવવાનો સંકલ્પ:મોરબીના શિક્ષણવિદ્ શ્રી ટી. ડી. પટેલનો અનોખો સમાજસેવા પ્રોજેક્ટ

 

 

“જેમના માથે પિતાનો હાથ નથી, તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો… ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ!”

મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર આજના સમયમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સામાન્ય પરિવારો માટે પણ પડકારરૂપ બની રહી છે. આવી સ્થિતિમાં અનાથ દીકરીઓ અથવા જેમના પિતાનું અવસાન થયું હોય તેવી દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીના સપના સાકાર કરવાનું વધુ મુશ્કેલ બની જાય છે. આ જ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને મોરબીના જાણીતા શિક્ષણવિદ્ અને સમાજસેવક શ્રી ટી. ડી. પટેલે એક અનોખો અને દૂરંદેશી સમાજસેવા પ્રોજેક્ટ શરૂ કરવાનો સંકલ્પ કર્યો છે.

આજથી લગભગ ૩૪ વર્ષ પહેલાં, મોરબીમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી સેલ્ફ-ફાઇનાન્સ શાળાનો પાયો નાખી શિક્ષણક્ષેત્રે ક્રાંતિ લાવનાર શ્રી ટી. ડી. પટેલે હજારો વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું હતું. હવે તેઓ સમાજના સૌથી વંચિત વર્ગની દીકરીઓને દેશની સર્વોચ્ચ વહીવટી સેવાઓ સુધી પહોંચાડવાનું સ્વપ્ન સાકાર કરવા માટે આગળ આવ્યા છે.

તેમનો સ્પષ્ટ વિશ્વાસ છે કે આર્થિક મુશ્કેલીઓ કોઈ બાળકના સપનાઓની મર્યાદા બનવી જોઈએ નહીં. સમાજમાં એવા ઘણા પરિવારો છે, જેઓ બે ટંકનું ભોજન મેળવવા માટે સંઘર્ષ કરે છે. આવા પરિવારો માટે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવું કે IAS, IPS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવી લગભગ અશક્ય બની જાય છે.

આ પડકારનો ઉકેલ લાવવા માટે અનાથ દીકરીઓ અને જેમના પિતાનું અવસાન થયું હોય તેવી દીકરીઓ માટે વિશેષ રહેણાંક હોસ્ટેલ અને શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરમાં IAS, IPS અને અન્ય સિવિલ સર્વિસીસ માટે વિવિધ તાલીમ કેન્દ્રો કાર્યરત છે, પરંતુ ખાસ કરીને અનાથ દીકરીઓને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ નિઃશુલ્ક અને સર્વાંગી વિકાસ આધારિત પ્રોજેક્ટ બહુ ઓછા જોવા મળે छे.

જેના માત-પિતા બંને નથી અથવા તો પિતાજી નથી આવી દીકરીઓએ જ સંપર્ક કરવો ધો. ૭ કે ૮ થી દાખલ થયેલ દીકરીઓને ૮ વર્ષ એટ્લે કે Ty.Bcom પૂરું થાય ત્યાં સુધી સતત UPSC ની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે.

આ સ્કૂલ + હોસ્ટેલ + જમવાનું + કપડાં + ચોપડા તમામ મારા ખર્ચે જ ચલાવવામાં આવશે. અમારી દિકરી છે તે રીતે તેને પ્રગતિ થશે. ખોરાકમાં ગાયનું દુધ + ઘી + માખણ તથા તમામ ડ્રાયફ્રૂટ અને સિઝનના તમામ ફ્રૂટ આપવામાં આવશે. તાલીમની સાથે અમારી સ્કૂલ બસમાં પ્રેક્ટિકલી પર્યાવરણ તેમજ ઉદ્યોગ વેપાર અને ભારત ભરમાં જરૂરી હોય ત્યાં લઈ જવામાં આવશે. ગમે તેટલો ખર્ચ થાય કોઇની પાસેથી અમારે એક રૂપિયો ડોનેશન પણ જોઈતું નથી. અમારી પાસેની જમીનો મિલ્કત વેચીને કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રોજેકટ મારા અંતિમ શ્વાસ સુધી હું ચલાવીશ ત્યાર બાદ દત્તક પુત્રીઓ છે તે ચલાવશે. મારી હયાતીમાં ૧૦૦ થી પણ વધારે આવી દીકરીઓ UPSC માં પસંદગી પામશે તે હું જોઈને પછી જ જઈશ. હાલમાં સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લામાથી જ જિલ્લા હેડ કવાટરમાં જઈને ગોઠવેલ તારીખ મુજબ લેખિત ટેસ્ટ લેવામાં આવશે જુલાઇ માસમાં એડમિશન થઈ જશે. મકાન પ્રોજેકટ મુજબ તૈયાર છે.

આમ આ પ્રોજેકટમાં માત્ર શૈક્ષણિક વિકાસ જ નહીં, પરંતુ શારીરિક, માનસિક, નૈતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. દીકરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, શિસ્ત, સંસ્કાર, દેશપ્રેમ અને સમાજસેવાની ભાવના વિકસે તે માટે વિશેષ તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ ભવિષ્યમાં સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે.

આ સમગ્ર પ્રોજેક્ટટ માટે એવા શિક્ષકો અને માર્ગદર્શકોની પસંદગી કરવામાં આવશે, જેઓ માત્ર વિષયજ્ઞાનમાં નિષ્ણાત જ નહીં પરંતુ પ્રેમ, કરુણા, સંવેદના અને માનવીય મૂલ્યો ધરાવતા હોય. અહીં *જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે આર્થિક સ્થિતિના કોઈપણ ભેદભાવ વિના તમામ પાત્ર દીકરીઓને સમાન તક આપવામાં આવશે.

સમાજને અપીલ – જો આપની જાણમાં એવી કોઈ *અનાથ દીકરી* અથવા જેમના પિતાનું અવસાન થયું હોય તેવી દીકરી હોય અને તે આ યોજનાનો લાભ લેવા ઇચ્છતી હોય, તો કૃપા કરીને મો. 98250 75484 પર સંપર્ક કરો. નોંધણી માટે ગૂગલ ફોર્મ ભરાવવામાં આવશે. તમારા જિલ્લામાં પૂરતી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થયા બાદ ત્યાં પસંદગી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને તેની જાણ સંબંધિત અરજદારોને કરવામાં આવશે.

એક સંકલ્પ… અનેક દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે.”

“દીકરીને દાન નહીં, તક આપો; સહાનુભૂતિ નહીં, શિક્ષણ આપો; આશ્રય નહીં, આત્મનિર્ભર ભવિષ્ય આપો.”

આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી *ધોરણ ૭થી ધોરણ ૧૧ સુધી અભ્યાસ કરતી પાત્ર દીકરીઓની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!