હાલોલ ખાતે ‘રાષ્ટ્રીય રમત દિવસ’ નિમિત્તે સાયકલ રેલી યોજાઈ,રમશે ભારત, જીતશે ભારત”ના નારા સાથે રમતવીરો અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૮.૨૦૨૬
જિલ્લા વહીવટી તંત્ર, પંચમહાલ અને જિલ્લા રમત વિકાસ અધિકારિની કચેરી, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે ‘રાષ્ટ્રીય રમત દિવસ’ની ઉજવણીના ભાગરૂપે હાલોલ ખાતે ભવ્ય સાયકલ રેલીનું આયોજન આજે રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. “ચાલો, તંદુરસ્તી, રમતગમત અને એકતાની ભાવનાની ઉજવણી સાથે જોડાઈએ” ના સંદેશ સાથે આયોજિત આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વાસ્થ્ય અને રમતગમત પ્રત્યે જાગરૂકતા લાવવાનો હતો.આ સાયકલ રેલી આજે સવારે નિયત સમયે હાલોલ સ્થિત જનતા બેંક ખાતેથી ઉત્સાહભેર પ્રસ્થાન થઈ હતી. નિર્ધારિત સાયકલિંગ રૂટ મુજબ રેલી જનતા બેંકથી શરૂ થઈ પાવાગઢ, વડતળાવ થઈને પરત હાલોલ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પહોંચી સમાપન પામી હતી. રેલીમાં ભાગ લેનાર તમામ સહભાગીઓ સફેદ ટી-શર્ટ અને કાળા ટ્રેક પેન્ટના ડ્રેસ કોડમાં સજ્જ થઈને જોડાયા હતા.આજના આ પ્રસંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રમતવીરો તથા નાગરિકોએ સાયકલિંગ કરી તંદુરસ્તીનો સંદેશ આપ્યો હતો.સાથે સવારી, હંમેશા તંદુરસ્તી” અને “રમશે ભારત, જીતશે ભારત”ના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ઉર્જાસભર બની ગયું હતું. કાર્યક્રમના અંતે તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સહભાગીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.






