MORBI:મોરબી હળવદ હાઇવે પર હોટલ પર નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા




MORBI:મોરબી:હળવદ હાઇવે પર હોટલ પર નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી આ ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી દીધી છે.
મોરબી: જિલ્લાના માળિયા-હળવદ હાઇવે પર ગત રાત્રિએ સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. હાઇવે પર આવેલી એક હોટલ પર નાસ્તો કરવા ગયેલા ૨૮ વર્ષીય યુવાન પર ચાર અજાણ્યા શખ્સોએ છરી વડે તીક્ષ્ણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પૈસાની લેતી-દેતી જવાબદાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, મોરબીની પ્રભુ કૃપા ટાઉનશીપમાં રહેતો અનિલ હરિલાલ કંડિયા (ઉં.વ. ૨૮) તેના મિત્ર વિવેક અઘારા સાથે રાત્રિના સમયે માળિયા-હળવદ હાઇવે પર આવેલી એક હોટલ પર નાસ્તો કરવા માટે ગયો હતો. આ દરમિયાન અચાનક ચાર અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને કોઈ પણ કારણ વગર બોલાચાલી કરી અનિલ પર તૂટી પડ્યા હતા.હુમલાખોરોએ અનિલના પડખાના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.ઘટના બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અનિલને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ લથડતા તેણે દમ તોડ્યો હતો. યુવાનના મોતથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતા જ માળિયા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગઈ પોલીસે અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીઓને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.



