MORBI:વિદ્યાર્થીઓના પ્રશ્ને ગાંધીનગર કૂચ પહેલાં AAP નેતાની અટકાયત ”’જબ જબ ભાજપ ડરતી હે”‘ના નારાથી રાજકીય માહોલ ગરમાયો

MORBI:વિદ્યાર્થીઓના પ્રશ્ને ગાંધીનગર કૂચ પહેલાં AAP નેતાની અટકાયત ”’જબ જબ ભાજપ ડરતી હે”‘ના નારાથી રાજકીય માહોલ ગરમાયો
મોરબી જિલ્લામાં શનિવારે રાજકીય વાતાવરણ ત્યારે ગરમાયું જ્યારે આમ આદમી પાર્ટીના મોરબી-માળિયા પ્રભારી પંકજ રાણસરિયાને ગાંધીનગર જવા પૂર્વે મોરબી પોલીસે અટકાયતમાં લીધા હોવાનો દાવો પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. પક્ષના જણાવ્યા મુજબ, પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓના સમર્થનમાં ગાંધી ચિંધ્યા માર્ગે યોજાનારા આંદોલનમાં જોડાવા માટે તેઓ પોતાની ટીમ સાથે ગાંધીનગર જવાના હતા. તે પહેલાં જ મોડી રાત્રે પોલીસે તેમના નિવાસસ્થાને પહોંચી તેમને પોલીસ સ્ટેશન લઈ જતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
આમ આદમી પાર્ટીએ આ કાર્યવાહીનો વિરોધ કરતાં આરોપ લગાવ્યો છે કે સરકાર વિરોધના અવાજને દબાવવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરી રહી છે. પક્ષના કાર્યકરોએ “જબ જબ ભાજપ ડરતી હે, પોલીસ કો આગે કરતી હે” જેવા સૂત્રો સાથે સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે.બીજી તરફ, સમગ્ર ઘટનામાં પોલીસ તરફથી અટકાયતના કારણ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેથી અટકાયત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કરવામાં આવી કે અન્ય કોઈ કારણસર, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થવાની બાકી છે.વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પેપર લીકના મુદ્દે રાજ્યભરમાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. આવા સમયે વિરોધ પ્રદર્શન પહેલાં થયેલી અટકાયતથી સરકાર અને વિરોધ પક્ષ વચ્ચેનો ટકરાવ વધુ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર ઘટનાક્રમ પર રાજકીય વર્તુળો અને વિદ્યાર્થીઓની નજર મંડાઈ છે.








