WAKANER:તળાવો, ગૌચર અને સરકારી જમીન બચાવવા ગ્રામજનોની જાગૃત પહેલ; તંત્રને સમયસર કાર્યવાહી કરવાની અપીલ

WAKANER:તળાવો, ગૌચર અને સરકારી જમીન બચાવવા ગ્રામજનોની જાગૃત પહેલ; તંત્રને સમયસર કાર્યવાહી કરવાની અપીલ
વાંકાનેર : શ્રી તરકીયા ગ્રામ પંચાયતની હદમાં આવેલા તળાવો, ગૌચર તથા ખરાબાની સરકારી જમીનોમાં થઈ રહેલા કથિત ગેરકાયદેસર ખોદકામ, ખનિજ ચોરી અને અતિક્રમણને તાત્કાલિક અટકાવી મૂળ સ્થિતિ યથાવત રાખવા માટે સરપંચ, માલધારી સમાજના આગેવાનો તથા ગ્રામજનોએ વાંકાનેર પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી.ચોમાસાની ઋતુ દરમિયાન તળાવો અને સરકારી જમીનોમાં ગેરરીતિઓ ચાલુ રહે તો વરસાદી પાણીના વહેણમાં ફેરફાર, ખાડાઓ સર્જાવા, પશુ-પક્ષીઓ અને ગ્રામજનો માટે અકસ્માતનું જોખમ ઊભું થવા સહિત પર્યાવરણને પણ નુકસાન થવાની શક્યતા રજૂઆતમાં દર્શાવવામાં આવી છે. સાથે જ તંત્ર દ્વારા સ્થળ તપાસ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવી સરકારી જમીનોનું સંરક્ષણ કરવાની માંગ કરવામાં આવી છે.
ગ્રામજનોનું કહેવું છે કે તળાવો અને ગૌચર માત્ર સરકારી મિલકત નથી, પરંતુ ગામની કુદરતી સંપત્તિ અને પશુધનના જીવનનો આધાર છે. આવી જમીનોનું સંરક્ષણ કરવું દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.પ્રાંત કચેરીમાં શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે રજૂઆત કરીને સરપંચ, માલધારી સમાજ અને સમગ્ર ગ્રામજનોએ લોકહિત તથા પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિકાસની સાથે કુદરતી સંપત્તિનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે, તેવો સકારાત્મક સંદેશ આ રજૂઆતમાં થી મળે છે.હવે ગ્રામજનોને આશા છે કે તંત્ર સમયસર સ્થળ તપાસ કરીને યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરશે, જેથી ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે અને તળાવો, ગૌચર તથા સરકારી જમીનોનું અસ્તિત્વ સુરક્ષિત રહી શકે.








