MORBI:મોરબી બાળ મજૂરી કરાવતી પેઢી પર ટાસ્ક ફોર્સના દરોડા, ૧૨ વર્ષના માસૂમને મુક્ત કરાવાયો

MORBI:મોરબી બાળ મજૂરી કરાવતી પેઢી પર ટાસ્ક ફોર્સના દરોડા, ૧૨ વર્ષના માસૂમને મુક્ત કરાવાયો
મોરબીના માધાપર-અંબિકા રોડ પર આવેલી એક સંસ્થામાં માસૂમ બાળક પાસે જોખમી મજૂરી કરાવવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાઇલ્ડ હેલ્પલાઇનની લેખિત ફરિયાદને આધારે તંત્રે સંયુક્ત રીતે ત્રાટકીને એક બાળ શ્રમિકને મુક્ત કરાવી પેઢીના ભાગીદાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચાઇલ્ડ હેલ્પલાઇન મોરબીને મળેલી એક ચોક્કસ લેખિત ફરિયાદના આધારે જીલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, સરકારી શ્રમ અધિકારી, સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસ સહિતના સંયુક્ત તંત્ર દ્વારા ગત તારીખ ૧૭/૦૭/૨૦૨૬ના રોજ સવારે માધાપર-અંબિકા રોડ પર આવેલી ‘મોરબી નાઈફ વર્ક્સ’ નામની પેઢી પર આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન પેઢીમાંથી અંદાજે ૧૨ વર્ષની નાની ઉંમરનો એક માસૂમ બાળક હેલ્પર તરીકે જોખમી કામ કરતો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોતમભાઈ જોશી દ્વારા નોંધાવવામાં આવેલી સત્તાવાર વિગતો અનુસાર, રેડ દરમિયાન મુક્ત કરાયેલા બાળકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ બાવાજી અમન ટપુભાઈ હોવાનું જણાવ્યું હતું. આ માસૂમ બાળકને તાત્કાલિક કાળજી અને રક્ષણની જરૂરિયાત હોવાથી તેને તુરંત મુક્ત કરાવી આગળની કાનૂની અને આશ્રયની કાર્યવાહી માટે સંબંધિત વિભાગને સુપ્રત કરવામાં આવ્યો છે.નિયમ વિરુદ્ધ ૧૪ વર્ષથી ઓછી વયના બાળક પાસે જોખમી મજૂરી કરાવવા બદલ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ મામલે પેઢીના ભાગીદાર રઘુવીરસિંહ નવિનચંદ્ર (ઉં.વ. ૪૪) સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાળ અને તરૂણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) એક્ટની કલમ ૩ અને ૧૪ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી બાળ મજૂરી કરાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.







