MORBI:મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પરિવાર પર હુમલો

MORBI:મોરબીમાં જુગાર-દારૂની પ્રવૃત્તિનો વિરોધ કરતાં નિવૃત્ત ASI અને તેમના પરિવાર પર હુમલો
મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરવા જતાં એક નિવૃત્ત પોલીસ અધિકારી (ASI) અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત ASI મહેન્દ્રસિંહ નાથુભા ઝાલાના પુત્રએ સોસાયટીની શેરીના ચોકમાં જાહેરમાં ચાલતી જુગાર અને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો હતો અને આરોપીઓને ત્યાં બેસીને આવી પ્રવૃત્તિઓ કરવાની ના પાડી હતી. આ બાબતનો ખાર રાખીને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.
આરોપીઓએ નિવૃત્ત ASIના દીકરા પર લોખંડના પાઈપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પુત્રને બચાવવા માટે વચ્ચે પડેલા નિવૃત્ત ASI મહેન્દ્રસિંહ ઝાલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમને ડાબા હાથે લોખંડના પાઇપનો ઘા વાગ્યો હતો. આ ઉપરાંત, આરોપીઓએ ફરિયાદી તેમજ તેમની સાથેના કુલદીપસિંહને ઢીકાપાટુનો મૂઢમાર મારી, જાહેરમાં આતંક મચાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ હિંસક ઘટના અંગે નિવૃત્ત ASI મહેન્દ્રસિંહ ઝાલાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે નીચે મુજબના આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે:રૂત્વિક ધિરૂભાઈ બાવાજી ,સુલતાન સિંહ ,મહેન્દ્રસિંહ રાણા રહેણાંક વિસ્તારમાં ચાલતી આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે જ્યારે એક પૂર્વ પોલીસ અધિકારીનો પરિવાર જ સુરક્ષિત ન હોય, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસે આ મામલે કડક કાયદાકીય તપાસ શરૂ કરી છે.







