MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં અકસ્માતનો વેશ રચી પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ: જમીન વિવાદમાં ઘડાયું હતું લોહી થીજાવી દે તેવું કાવતરું

 

MORBI:મોરબીમાં અકસ્માતનો વેશ રચી પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ: જમીન વિવાદમાં ઘડાયું હતું લોહી થીજાવી દે તેવું કાવતરું

 

મોરબી તાલુકાના નીચી માંડલથી વાંકડા ગામ તરફ જવાના રસ્તે કેનાલ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેને સામાન્ય માર્ગ અકસ્માત ગણવામાં આવી રહ્યો હતો, તે વાસ્તવમાં જમીન વિવાદની અદાવતમાં પિતા-પુત્રને પતાવી દેવાનું એક સાતિર કાવતરું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મોરબી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેમનો દીકરો મેહુલભાઈ પોતાની મોટરસાયકલ (GJ-03-DH-5109) પર કોર્ટની મુદત પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી એક અજાણ્યા નંબરની સ્કોર્પિયો કારના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં પિતા-પુત્ર બંનેને શરીરે વ્યાપક ઈજાઓ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને અંજામ આપી સ્કોર્પિયો ચાલક ગાડી લઈને નાસી છૂટ્યો હતો, જેથી શરૂઆતમાં અજાણ્યા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.

પોલીસ તપાસ અને ઈજાગ્રસ્ત મેહુલભાઈ સહિતના સાક્ષીઓના નિવેદનો લેવાતા મામલો શંકાસ્પદ જણાયો હતો. ફરિયાદીના બાપદાદાની જમીન બાબતે ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા સાથે કોર્ટ કેસ ચાલતો હોય, તેની અદાવતમાં આ હુમલો કરાયો હોવાની આશંકા સેવાઈ હતી.પોલીસે જ્યારે આસપાસના CCTV ફૂટેજ ચેક કર્યા ત્યારે મોટો ખુલાસો થયો કે, અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કાર બપોરના આશરે અઢી-ત્રણ વાગ્યાથી જ નીચી માંડલ ગામની આજુબાજુમાં વોચ ગોઠવીને ઊભી હતી. જેવા પિતા-પુત્ર બાઇક લઈને નીકળ્યા કે તુરંત જ કારે તેમનો પીછો કર્યો હતો અને એક અવાવરૂ જગ્યાએ તેમને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય સૂત્રધાર ભાવેશ બાવરવા અને તેના મિત્ર હરેશ ઉર્ફે હર્ષદ સુરાણીએ કોઈને શંકા ન જાય તે રીતે આખો પ્લાન ઘડ્યો હતો.હરેશે આ ગુના માટે પોતાના નામે જ સફેદ કલરની સ્કોર્પિયો કાર ખરીદી હતી.અકસ્માતને અંજામ આપવા માટે તેમણે કચ્છના રાપરના જગદીશ ખીમજીભાઈ મકવાણા (કોળી) નામના ડ્રાઈવરનો સંપર્ક કર્યો હતો અને તેને કામના બદલામાં એક મોટરસાયકલ આપવાની લાલચ આપી હતી.કાવતરું એટલું પાકું હતું કે ટેકનિકલ તપાસ (CDR) મુજબ ઘટનાના દિવસે ભાવેશ અને હરેશ સતત સંપર્કમાં હતા, પણ ડ્રાઈવર જગદીશ તેમના સીધા સંપર્કમાં નહોતો જેથી પોલીસ તેને માત્ર અકસ્માત જ ગણે.મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જે. જાડેજા તથા તેમની ટીમે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૬, ૬૧(૨), ૫૪ નો ઉમેરો કરીને નીચે મુજબના ત્રણ સાતિર આરોપીઓની ધરપકડ કરી છે:જગદીશભાઈ ખીમજીભાઈ મકવાણા (ઉં.વ. ૪૨, રહે. વણોઈવાંઢ, રાપર – ડ્રાઈવર)હરેશભાઈ દેવજીભાઈ સુરાણી (ઉં.વ. ૪૧, રહે. મોરબી, મૂળ જીકીયારી – કાવતરાખોર)ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા (ઉં.વ. 31, રહે. રામનગર, જીકીયાળી – મુખ્ય સૂત્રધાર) પોલીસે ગુનામાં વાપરવામાં આવેલી રૂ. ૪,૦૦,૦૦૦/- ની કિંમતની સ્કોર્પિયો કાર (GJ-01-KR-8392) કબ્જે કરી છે અને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!