MORBI:મોરબીમાં ત્રાંબા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ‘POSH Act–2013’ અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયો

MORBI:મોરબીમાં ત્રાંબા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ‘POSH Act–2013’ અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયો
જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષકોને કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા અને કાયદાકીય જોગવાઈઓ અંગે તાલીમબદ્ધ કરાયા
જાતીય સતામણી અટકાયત કાયદો, આંતરિક ફરિયાદ સમિતિ અને મિશન શક્તિ સહિતની યોજનાઓ વિશે વિષય નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
મોરબી જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને ભેદભાવમુક્ત વાતાવરણનું નિર્માણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ત્રાંબા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષકો માટે “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, ૨૦૧૩” (POSH Act) અન્વયે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં કાયદાના નિષ્ણાતો દ્વારા POSH Act ની જોગવાઈઓ, જાતીય સતામણીની વ્યાખ્યા, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની રચના, ફરિયાદ નિવારણની સમયબદ્ધ પ્રક્રિયા અને સંસ્થાની કાનૂની તથા સામાજિક જવાબદારીઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. સાથોસાથ મહિલા અને બાળ વિકાસ વિભાગની મિશન શક્તિ, બેટી બચાવો-બેટી પઢાવો, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, વન સ્ટોપ સેન્ટર અને શી-બોક્સ પોર્ટલ જેવી કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં હાજર શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની શંકાઓનું નિવારણ મેળવ્યું હતું અને કાર્યસ્થળ પર કાયદાના ચુસ્ત પાલન સાથે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.









