MORBI:મોરબીનો બેલા-ભરતનગર રોડ બન્યો પ્રગતિપથ: રૂ. ૨૩.૩૩ કરોડના ખર્ચે સિરામિક ઉદ્યોગ અને ગ્રામીણ અર્થતંત્રને મળી નવી ગતિ







MORBI:મોરબીનો બેલા-ભરતનગર રોડ બન્યો પ્રગતિપથ: રૂ. ૨૩.૩૩ કરોડના ખર્ચે સિરામિક ઉદ્યોગ અને ગ્રામીણ અર્થતંત્રને મળી નવી ગતિ


‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ મોરબીનો બેલા-ભરતનગર રોડ બન્યો પ્રગતિપથ; રૂ. ૨૩૩૩.૭૦ લાખના ખર્ચે સાકાર થયેલો રોડથી ગ્રામીણ અર્થતંત્ર અને સિરામિક ઉદ્યોગને મળ્યો વેગ

વિકાસકામના કાયાકલ્પ થકી ગ્રામજનોની મુસાફરી અને ઔદ્યોગિક પરિવહન બન્યા સુગમ અને સુરક્ષિત
છેવાડાના ગામડાં સુધી પહોંચી આધુનિક માળખાકીય સુવિધા; મોરબીના હજારો વાહનચાલકોના સમય અને ઇંધણની બચત સાથે ટ્રાફિક મુક્ત અને સુવિધાજનક પરિવહન
ગુજરાત સરકાર હંમેશા છેવાડાના ગામડાઓને આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવા અને પ્રજાની સુખાકારીમાં વધારો કરવા માટે કટિબદ્ધ રહી છે. શહેરોની સાથે ગ્રામીણ ક્ષેત્રોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષમાં પાકા અને સક્ષમ રસ્તાઓ પાયાની ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકારના આ જ પ્રજાભિમુખ અને હકારાત્મક અભિગમ હેઠળ ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ (વર્ષ ૨૦૨૪-૨૫) અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય જનજીવનને સરળ બનાવવા અને સ્થાનિક ઉદ્યોગોને નવી ઉર્જા આપવા મોરબીના બેલા-ભરતનગર રોડનું વિકાસકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના વ્યસ્ત અને આર્થિક રીતે ધમધમતા ‘બેલા થી ભરતનગર રોડ કિમી ૦/૦૦ થી ૭/૧૦૦’ ના સ્ટ્રેન્ધનીંગ અને ઈમ્પ્રુવમેન્ટ (મજબૂતીકરણ અને સુધારણા)નું કામ રૂપિયા ૨૩૩૩.૭૦ લાખના માતબર ખર્ચે સાકાર થયું છે. વહીવટી તંત્રની કાર્યક્ષમતાના પરિણામે આ પ્રોજેક્ટની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં જ સંપન્ન કરી જન સુખાકારીમાં વધારો કરવામાં આવ્યો છે.

*રોજગાર, વેપાર અને મુસાફરી બની સલામત:*
આ નવા બનેલા આધુનિક માર્ગ પર વાહનચાલકોની સલામતીને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી છે. સમગ્ર રોડ પર યોગ્ય સાઈનબોર્ડ, વ્યવસ્થિત ડિવાઈડર તેમજ રાત્રિના સમયે દ્રશ્યતા વધારતા આધુનિક રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે, જેના કારણે જન-સામાન્યની મુસાફરી તદ્દન સુરક્ષિત બની છે. આ પ્રોજેક્ટના સાકાર થવાથી મોરબી તાલુકાના અને આસપાસના નાગરિકો તેમજ દૈનિક ધોરણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોના કિંમતી સમયની બચત થશે અને વાહનવ્યવહાર એકદમ સરળ અને ઝડપી બની છે.
*સિરામિક ઉદ્યોગના વિકાસને મળ્યો વેગ*
આ રસ્તાના મજબૂતીકરણથી મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગને પણ મોટો ફાયદો થયો છે. સિરામિક ફેક્ટરીઓ માટે જરૂરી કાચો માલ સમયસર લાવવા અને અહીં તૈયાર થયેલો કિંમતી માલ-સામાન પોર્ટ (બંદરો) કે અન્ય રાષ્ટ્રીય બજારો સુધી સમયસર પહોંચાડવા માટે ટ્રકો તથા કન્ટેનરોની આ રોડ પર અવરજવર હવે વધુ ઝડપી, સલામત અને સુવિધાજનક બની છે. ટ્રાફિકની સમસ્યા હળવી થતાં પરિવહન ક્ષમતામાં સુધારો થયો છે.
આ મુખ્ય માર્ગ પર શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન ‘ખોખરા હનુમાન મંદિર’ આવેલું છે. આ રસ્તાના નવીનીકરણના કારણે મંદિરે દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ અને વડીલોની સુવિધામાં પણ વધારો થયો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના હકારાત્મક અભિગમથી આ માર્ગનું કાયાકલ્પ થતાં લોકોને સુવિધાસભર સુગમ પરિવહનની ભેટ મળી છે.

સરકારશ્રીની આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ કામગીરી માત્ર રસ્તાનું નિર્માણ નથી, પરંતુ તે મોરબીના ગ્રામીણ અર્થતંત્ર અને ઔદ્યોગિક પ્રગતિને જોડતો એક મજબૂત સેતુ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત થયેલું આ રોડ નવીનીકરણનું લોકાભિમુખ કાર્ય તમામ ગ્રામજનો અને શ્રમિકોના જીવનમાં સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિ લાવનારું સાબિત થઈ રહ્યું છે.




