MORBI:મોરબી પાલિકા કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી: શ્રાવણ પૂરો થવાને આરે ત્યારે ભીમનાથ મહાદેવ મંદિર સુધી સિટી બસ સેવા શરૂ




MORBI:મોરબી પાલિકા કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી: શ્રાવણ પૂરો થવાને આરે ત્યારે ભીમનાથ મહાદેવ મંદિર સુધી સિટી બસ સેવા શરૂ


મોરબી:પવિત્ર શ્રાવણ માસ હવે અડધાથી વધુ પૂર્ણ થઈ ગયો છે અને માત્ર આજનો દિવસ ગણીને ૧૨ દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે મોરબી મહાનગરપાલિકાનું તંત્ર મોડે મોડે પણ હરકતમાં આવ્યું છે. લજાઈ ભીમનાથ ટ્રસ્ટ દ્વારા ગત તારીખ ૦૭-૦૮-૨૦૨૬ના રોજ મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, શ્રાવણના ચાર સોમવારમાંથી હવે માત્ર એક જ સોમવાર બાકી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે મોરબીથી લજાઈ સુધી દોડતી સિટી બસના રૂટને લંબાવીને પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિર સુધી કરવાનો નિર્ણય લેવાયો છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભીમનાથ મહાદેવના દર્શનાર્થે દરરોજ હજારો ભક્તો આવતા હોય છે. તંત્ર દ્વારા આ નિર્ણય જો શ્રાવણના પ્રારંભથી જ લેવાયો હોત તો ભક્તોને વધુ સુવિધા મળત, પરંતુ આ મોડા નિર્ણયથી પણ બાકીના દિવસોમાં વડીલો અને પરિવાર સાથે આવતા શ્રદ્ધાળુઓને ચોક્કસ રાહત મળશે. મોડે મોડે પણ શરૂ થયેલી આ સિટી બસ સેવા શ્રાવણના બાકી રહેલા દિવસો દરમિયાન દર્શનાર્થીઓ માટે ખૂબ ઉપયોગી નીવડશે.સિટી બસનું નવું સમયપત્રક મોરબીથી ઉપડવાનો સમય: સવારે ૦૭:૩૦, સવારે ૦૮:૦૦, સવારે ૧૦:૦૦ અને બપોરે ૧૨:૦૦ વાગ્યે ભીમનાથથી પરત ફરવાનો સમય: સવારે ૦૯:૦૦, સવારે ૧૧:૦૦ અને બપોરે ૧૨:૦૦ વાગ્યે



