GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ ‘દાવલીયા’ સીમની જમીનના ડખામાં પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી:સામસામે ફરિયાદ

 

HALVAD:હળવદ ‘દાવલીયા’ સીમની જમીનના ડખામાં પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી:સામસામે ફરિયાદ

 

હળવદ તાલુકાના સીમ વિસ્તારમાં આવેલી સંયુક્ત માલિકીની જમીનનો વિવાદ પિતરાઈ ભાઈઓ વચ્ચે લોહિયાળ અંજામ સુધી પહોંચ્યો છે. ‘દાવલીયા’ તરીકે ઓળખાતી સીમની જમીનના ભાગ પાડવા બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. જેમાં ધારીયા, કુહાડી અને લોખંડની પાઇપ જેવા ઘાતક હથિયારો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસક અથડામણ બાદ બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ગુનો નોંધાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, હળવદની અવધ સોસાયટીમાં રહેતા અને ખેતી કરતા ધર્મેન્દ્રભાઇ ચમનભાઈ ગોઠી (ઉ.વ.૩૧) એ આરોપી મેહુલભાઈ રમણીકભાઇ ગોઠી, નિલેશભાઈ રમણીકભાઇ ગોઠી અને એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ધર્મેન્દ્રભાઇના જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે આરોપીઓ સાથે મિલકત બાબતે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે આરોપી મેહુલભાઈએ પોતાના હાથમાં રહેલા ધારીયા વડે ધર્મેન્દ્રભાઇના માથામાં ઘા ઝીંકી દીધો હતો. હુમલાને કારણે તેઓ લોહીલુહાણ થઈને નીચે પડી ગયા હતા. એ જ સમયે આરોપી નિલેશભાઈએ કુહાડી વડે હુમલો કરી ધર્મેન્દ્રભાઇના ડાબા હાથની કોણી પાસે ઈજા પહોંચાડી હતી. જ્યારે અન્ય એક અજાણ્યા શખ્સે લોખંડની પાઇપ વડે બેફામ માર માર્યો હતો. આરોપીઓએ ધર્મેન્દ્રભાઇ પર ચડી જઈ મુંઢ માર માર્યો હતો અને “જો હવે પછી મિલકત બાબતે ક્યારેય વાડીએ આવીશ તો જીવતો નહીં રહેવા દઈએ” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સામા પક્ષે હળવદમાં જ રહેતા મેહુલભાઈ રમણીકભાઇ ગોઠીએ આરોપી ધર્મેન્દ્રભાઇ ચમનભાઈ ગોઠી વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં વળતી ફરિયાદ નોંધાવી છે.મેહુલભાઈએ આરોપ લગાવ્યો છે કે, આરોપી ધર્મેન્દ્રભાઇ તેમની વાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ જમીનના ભાગ પાડવા બાબતે જેમ ફાવે તેમ ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપી ધર્મેન્દ્રભાઇએ પોતાના હાથમાં રહેલા ધારીયાના હાથા વડે ફરિયાદી મેહુલભાઈ તેમજ તેમના સાથીને બેરહેમીથી માર માર્યો હતો અને જીવતા નહીં રહેવા દેવાની ધમકી આપી હતી એક જ પરિવારના પિતરાઈ ભાઈઓ વચ્ચે જમીનની માલિકીને લઈને થયેલી આ લોહિયાળ બબાલ બાદ હળવદ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!