MORBI:મોરબીના ખાટકી વાસમાં મકાનની ડેલી બાબતે ડખો: કાકા-કાકી અને ભત્રીજા પર લોખંડના પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો







MORBI:મોરબીના ખાટકી વાસમાં મકાનની ડેલી બાબતે ડખો: કાકા-કાકી અને ભત્રીજા પર લોખંડના પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો


મોરબીના ખાટકી વાસ વિસ્તારમાં એક જ ફળિયામાં રહેતા અને એક જ ડેલી ધરાવતા પરિવાર વચ્ચે જૂની અદાવત અને મકાનની ડેલી બંધ કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપીઓએ ઉશ્કેરાઈને પોતાના જ કાકા, કાકી અને ભત્રીજા પર લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના ખાટકી વાસમાં રહેતા નવાઝ ઇકબાલભાઈ ચૌહાણ (ઉ.વ. ૧૮) એ આરોપીઓ:૧. દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ ૨. શાહરુખ દાઉદભાઈ ચૌહાણ ૩. ફાતીમાબેન દાઉદભાઈ ચૌહાણ ૪. ઇરમ દાઉદભાઈ ચૌહાણ (તમામ રહે. મોરબી) તથા ૫. શબીર અબ્બાસ તરકબાણ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી તેમજ સાક્ષીઓ અને આરોપીઓ એક જ ફળિયાના મકાનમાં રહેતા હોય, જે મકાનની ડેલી બંધ કરવા બાબતે તેમની વચ્ચે અવારનવાર લડાઈ-ઝઘડો થતો રહેતો હતો.
આ બાબતનો ખાર રાખીને આરોપી દાઉદભાઈ તેમજ શાહરૂખે ફરિયાદીના ઘરે જઈ તેની માતાને ભૂંડાબોલી ગાળો આપી લડાઈ શરૂ કરી હતી. આ સમયે ફરિયાદી નવાઝ તેમજ ઇકબાલભાઇ ત્યાં આવી પહોંચતા બંને આરોપીઓએ તેમની સાથે ઝઘડો કરી જપાજપી કરી હતી. દરમિયાન આરોપી ફાતીમાબેન અને ઇરમ પણ ત્યાં આવી ગયા હતા અને તેમણે ઝરીનાબેન સાથે ઝઘડો કરી ગાળો આપી જપાજપી કરી હતી.
ફરિયાદી નવાઝ વચ્ચે પડતા આરોપીઓએ ફરિયાદી તેમજ સાક્ષીઓને ગાળો આપી ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. આ લોહિયાળ ડ્રામમાં આરોપી શાહરૂખે ઇકબાલભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને માથાના ભાગે લોખંડનો પાઈપ ફટકડી દેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એટલું જ નહીં, આરોપી શાહરૂખે ઝરીનાબેનને વાળથી પકડી, ઢસડીને શેરીમાં લાવીને તમામ આરોપીઓએ ભેગા મળીને તેમને પણ ઢીકાપાટુનો મૂઢ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર યુવાન નવાઝ ચૌહાણની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.



