MORBI:મોરબી રેલવે સ્ટેશનના વિકાસ અને લાંબા અંતરની ટ્રેનો માટે રજૂઆત

MORBI:મોરબી રેલવે સ્ટેશનના વિકાસ અને લાંબા અંતરની ટ્રેનો માટે રજૂઆત
મોરબી : મોરબીના રેલવે વિકાસના પ્રશ્નોને લઈને મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર તથા મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના આગેવાન સુરેશભાઈ શિરોહીયા દ્વારા રાજકોટ રેલવે વિભાગના ડીઆરએમનું મોરબી રેલવે સ્ટેશન ખાતે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરેશભાઈ શિરોહીયાએ મોરબી જિલ્લાના મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી રેલવે સંબંધિત માંગણીઓ અંગે ડીઆરએમ સમક્ષ રજૂઆત કરી હતી. ખાસ કરીને મોરબીમાંથી લાંબા અંતરની વધુ ટ્રેનો શરૂ કરવામાં આવે, તેમજ સાપ્તાહિક ટ્રેનોને દૈનિક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
મોરબી ઔદ્યોગિક અને વેપારી દૃષ્ટિએ મહત્વનું કેન્દ્ર બન્યું છે ત્યારે રેલવે કનેક્ટિવિટી પણ એટલી જ મજબૂત બને તે જરૂરી છે. ઉદ્યોગકારો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને અમદાવાદ, મુંબઈ સહિતના મોટા શહેરો તરફ અવરજવર માટે વધુ ટ્રેન સુવિધા મળે તો મોરબીના વિકાસને પણ વેગ મળી શકે છે.
નજરબાગ સ્ટેશનની સુવિધાઓ નો મુદ્દો પણ ઉઠાવ્યો
સુરેશભાઈ શિરોહીયાએ મોરબી-નજરબાગ રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે વધુ સારી અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરી હતી. સ્ટેશન પર પાયાની સુવિધાઓમાં વધારો થાય, મુસાફરોને સુવિધાજનક વાતાવરણ મળે અને રેલવે વ્યવસ્થાનો વિસ્તાર થાય તેવી માંગણી કરવામાં આવી હતી.મોરબી જેવા ઝડપથી વિકસતા ઔદ્યોગિક શહેર માટે રેલવે માત્ર પરિવહનનું સાધન નહીં પરંતુ વેપાર, ઉદ્યોગ અને રોજગારના વિકાસની મહત્વપૂર્ણ કડી છે. તેથી લાંબા અંતરની ટ્રેનો તથા સ્ટેશન સુવિધાઓ અંગેની આ રજૂઆતને આગામી સમયમાં રેલવે તંત્ર દ્વારા કેટલી પ્રાથમિકતા મળે છે તેના પર મોરબીવાસીઓની નજર રહેશે.










