HALVAD:હળવદના સરા રોડ પર ગુરુપૂર્ણિમાના દિવસે વૃદ્ધ પર હુમલો: કૌટુંબિક સંબંધિઓએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

HALVAD:હળવદના સરા રોડ પર ગુરુપૂર્ણિમાના દિવસે વૃદ્ધ પર હુમલો: કૌટુંબિક સંબંધિઓએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
હળવદના સરા રોડ પર આવેલી હરીનગર સોસાયટી પાસે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે જ દર્શને જઈ રહેલા એક નિવૃત્ત વૃદ્ધ પર તેમના જ કૌટુંબિક સગા-સંબંધિઓએ હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ભોગ બનનાર વૃદ્ધે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, હળવદની હરીનગર સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય દેવજીભાઈ પરસોત્તમભાઈ લોરીયા ગુરુપૂર્ણિમાના દિવસે સરા રોડ પર ઉભા હતા. તે દરમિયાન ત્યાંથી મોટરસાઇકલ પર પસાર થઈ રહેલા આરોપી દલીચંદ લોરીયા અને મનીષ લોરીયા (રહે. બંને અવધ સોસાયટી, હળવદ) ત્યાં અટકી ગયા હતા.
આરોપીઓએ દેવજીભાઈને પકડી પાડીને જણાવ્યું હતું કે, તેમના દીકરા જયેશના કારણે તેમની ‘ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીમાં નુકસાની આવી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદીનો દીકરો જયેશ અગાઉ આરોપી મનીષ સાથે વેપાર કરતો હતો અને બંને વચ્ચે નાણાકીય લેતી-દેતી ચાલી રહી હતી.
આ જ નાણાકીય લેતી-દેતીનું મનદુઃખ રાખીને બંને આરોપીઓએ વૃદ્ધ દેવજીભાઈને પકડી રાખી ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો અને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે દેવજીભાઈ લોરીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતા, પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.








