WAKANER:વાંકનેર-મોરબી હાઈવે પર ફિલ્મી ઢબે છેડતી: દીકરીને બચાવવા ગયેલા પિતા પર આઈસર ચાલકનો જીવલેણ હુમલો

WAKANER:વાંકનેર-મોરબી હાઈવે પર ફિલ્મી ઢબે છેડતી: દીકરીને બચાવવા ગયેલા પિતા પર આઈસર ચાલકનો જીવલેણ હુમલો
વાંકનેર-મોરબી હાઈવે પર એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં કારખાને જતી યુવતીઓની છેડતી કરી એક આઈસર ચાલકે ફિલ્મી ઢબે ઈકો ગાડીનો પીછો કર્યો હતો. રસ્તામાં ત્રણ જેટલી જગ્યાએ ગાડી આંતરીને આ રોડ રોમિયોએ એક દીકરીને તમાચો મારી દીધો હતો, અને વચ્ચે બચાવવા પડેલા તેના પિતા પર જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ઈકો ગાડી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક આધેડે આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આધેડ પોતાની ઈકો ગાડીમાં યુવતીઓ (સાથીઓ)ને બેસાડીને કંપની તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આરોપી સચિન રાજેશભાઈ અહિરવાડ પોતાનું આઈસર વાહન (રજીસ્ટ્રેશન નંબર-GJ-03-BT-9427) લઈને તેમની ગાડી પાછળ પડી ગયો હતો.આરોપી સચિને હાઈવે પર ઈકો ગાડીનો ફિલ્મી ઢબે પીછો ચાલુ રાખ્યો હતો અને ગાડીમાં બેસેલી યુવતીઓની છેડતી કરી ચેનચાળા કર્યા હતા. આટલેથી ન અટકતા, આરોપીએ રસ્તામાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ઈકો ગાડીને આંતરીને ઊભી રખાવી દીધી હતી. ત્યારબાદ તેણે આધેડ અને યુવતીઓને ભૂંડી ગાળો આપી, ઢીંકાપાટુનો માર માર્યો હતો.આ દરમિયાન પોતાની દીકરીને બચાવવા વચ્ચે પડેલા પિતા પર પણ આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યો હતો.ભોગ બનનાર આધેડની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી સચિન રાજેશભાઈ અહિરવાડ વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે. પોલીસે છેડતી, હુમલો અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







