HALVAD:હળવદના જુના દેવળિયા ગામે ગમખ્વાર અકસ્માત: રોમિયોની બુલેટની ટક્કરે ધોરણ-6ની વિદ્યાર્થિનીનું કરૂણ મોત, 3 ગંભીર




HALVAD:હળવદના જુના દેવળિયા ગામે ગમખ્વાર અકસ્માત: રોમિયોની બુલેટની ટક્કરે ધોરણ-6ની વિદ્યાર્થિનીનું કરૂણ મોત, 3 ગંભીર

હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે ચરાડવા રોડ પર ગઈકાલે સાંજે એક કમકમાટીભર્યો અને કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. શાળાએથી ઘરે પરત ફરી રહેલી ચાર માસૂમ વિદ્યાર્થિનીઓને ત્રિપલ સવારીમાં આવેલા એક બેફામ બુલેટ ચાલકે અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૧૧ વર્ષની એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ બાળકીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં શાળા છૂટ્યા બાદ ચાર વિદ્યાર્થિનીઓ પગપાળા પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન ત્રિપલ સવારી બુલેટ લઈને આવેલા એક યુવકે બાળકીઓને જોરદાર ટક્કર મારી હતી.
મૃતક વિદ્યાર્થિની: રોશનીબેન મનીષભાઈ ઠાકોર (ઉંમર ૧૧ વર્ષ, ધોરણ-૬) – જેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓ:અંકિતાબેન દિનેશભાઈ ઠાકોર (ઉંમર ૧૨ વર્ષ) રીનાબેન મહેશભાઈ ઠાકોર (ઉંમર ૧૧ વર્ષ) જાનવીબેન સુરેશભાઈ ઠાકોર (ઉંમર ૧૨ વર્ષ) તમામ ઈજાગ્રસ્ત બાળકીઓને તાત્કાલિક સારવાર અર્થે હળવદ અને જેતપરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

માસૂમ દીકરીના મોતના પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. પરિવારે બુલેટ ચાલક સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, અકસ્માત સર્જનાર શખ્સ દારૂનો ધંધો કરે છે અને અકસ્માત સમયે પણ તે નશાની હાલતમાં હતો. તે અવારનવાર ગામમાં ફૂલ સ્પીડે બાઈક ચલાવીને સીનસપાટા કરતો હતો. એટલું જ નહીં, આ શખ્સ અગાઉ પણ શાળાએ આવતી-જતી દીકરીઓને બાઇકના કાવા મારીને હેરાન કરતો હતો. પરિવારે આ નશાખોર બુલેટ ચાલક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે આજે જુના દેવળિયા ગામની મહિલાઓ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગુસ્સે ભરાયેલી મહિલાઓએ દેવળિયાથી ચરાડવા જતા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરી દીધો હતો, જેને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો.વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ જણાવ્યું કે, અકસ્માત સર્જનાર આ ‘રોમિયો’ છેલ્લા ૨ થી ૩ દિવસથી શાળાએ જતી દીકરીઓનો પીછો કરીને તેમને સતત પરેશાન કરતો હતો અને બાઈક નજીક લાવીને ઈશારા કરતો હતો.હાલમાં મહિલાઓ રોડ પર અડીંગો જમાવીને બેઠી છે અને તેમની એક જ જીદ છે કે આ માસૂમ દીકરીઓનો ભોગ લેનાર નરાધમ સામે પોલીસ દાખલારૂપ અને કડકમાં કડક પગલાં ભરે. ગામમાં હાલ ભારે તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે




