MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાશે

 

MORBI:મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાશે

 

નવા શૈક્ષણિક સત્રમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ અને ૯ માં કુલ ૩૪,૦૦૦ થી વધુ બાળકોને અપાશે પ્રવેશ: નાના ભૂલકાઓ હોંશભેર પાડશે પાપા પગલી

શાળા પ્રવેશોત્સવ માટે સમગ્ર જિલ્લામાં ૨૨ રૂટોનું આયોજન; ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે કન્યા કેળવણીને પણ પ્રોત્સાહિત કરાશે

 

ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં શત-પ્રતિશત નામાંકન અને કન્યા કેળવણીને વેગ આપવા માટે દર વર્ષે યોજાતા ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ અન્વયે વર્ષ ૨૦૨૬ મોરબી જિલ્લામાં ૨૩ થી ૨૫ જૂન દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારુ અને સમયબદ્ધ સંચાલન માટે સમગ્ર જિલ્લામાં કુલ ૨૨ જેટલા વિશિષ્ટ રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જે અંતર્ગત મોરબી તાલુકામાં ૬, હળવદ તાલુકામાં ૬, વાંકાનેર તાલુકામાં ૫, ટંકારા તાલુકામાં ૩ અને માળીયા તાલુકામાં ૨ રૂટ ફાળવીને પદ્ધતિસરનું આયોજન હાથ ધરાયું છે.

 

આ વર્ષે જૂન-૨૦૨૬ ના પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લાના હજારો ભૂલકાઓ પ્રથમ વખત શૈક્ષણિક સંસ્થાઓમાં ડગ માંડશે. જે અંતર્ગત જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં આ વર્ષે ૨,૦૧૯ કુમાર અને ૨,૦૬૭ કન્યા મળી કુલ ૪,૦૮૬ બાળકો પ્રવેશ મેળવશે, જેમાં મોરબી તાલુકામાં ૧,૨૬૯, હળવદમાં ૧,૨૨૦, વાંકાનેરમાં ૧,૦૩૬, ટંકારામાં ૩૬૧ અને માળીયામાં ૨૦૦ બાળકો પ્રવેશપાત્ર છે. આ જ રીતે, પૂર્વ-પ્રાથમિક શિક્ષણના મજબૂત પાયા સમાન બાલવાટિકામાં આ વખતે ૪,૩૧૦ કુમાર અને ૪,૫૭૨ કન્યા મળી કુલ ૮,૮૮૨ બાળકો અક્ષરજ્ઞાનની શરૂઆત કરશે, જેમાં વાંકાનેરમાં ૨,૯૫૨, મોરબીમાં ૨,૮૯૮, હળવદમાં ૧,૮૨૭, ટંકારામાં ૬૬૭ અને માળીયામાં ૫૪૩ બાળકોનો સમાવેશ થાય છે.

 

પ્રાથમિક શિક્ષણના મુખ્ય દ્વાર સમાન ધોરણ-૧ માં આ વર્ષે ૫,૪૩૨ કુમાર અને ૫,૧૮૮ કન્યા મળી કુલ ૧૦,૬૨૦ ભૂલકાઓ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કલરવ કરશે, જેમાં મોરબી તાલુકામાં ૩,૪૮૭, વાંકાનેરમાં ૨,૯૯૯, હળવદમાં ૨,૪૬૫, ટંકારામાં ૮૮૩ અને માળીયામાં ૭૮૬ બાળકો પ્રવેશે મેળવશે. માધ્યમિક શિક્ષણના સ્તરે, ધોરણ-૯ માં નવી પાંખો સાથે આગળ વધવા માટે ૫,૨૮૧ કુમાર અને ૫,૨૫૩ કન્યા મળી કુલ ૧૦,૫૩૪ વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર બન્યા છે, જેમાં મોરબી તાલુકામાં ૩,૨૭૫, વાંકાનેરમાં ૨,૮૮૦, હળવદમાં ૨,૬૨૫, ટંકારામાં ૮૯૨ અને માળીયા પંથકમાં ૮૬૨ વિદ્યાર્થીઓ નવા સત્રમાં ગૌરવભેર પ્રવેશ કરશે.

મોરબી જિલ્લો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે, જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓ પૈકી ૪૭,૫૪૮ કુમારો અને ૪૫,૯૩૭ કન્યાઓ મળીને હજારો વિદ્યાર્થીઓ તેજસ્વી કારકિર્દી ભણી આગળ વધી રહ્યા છે. તાલુકાવાર વિગત અનુસાર, મોરબી તાલુકામાં ૧૫,૨૧૩ કુમાર અને ૧૩,૮૩૩ કન્યા, વાંકાનેરમાં ૧૧,૬૨૩ કુમાર અને ૧૨,૯૭૫ કન્યા, હળવદમાં ૧૨,૫૩૯ કુમાર અને ૧૧,૬૭૪ કન્યા, ટંકારામાં ૪,૨૧૯ કુમાર અને ૩,૬૦૫ કન્યા તેમજ માળીયા તાલુકામાં ૩,૯૫૪ કુમાર અને ૩,૮૫૦ કન્યાઓ સરકારી શિક્ષણ પ્રણાલીનો લાભ લઈ રહ્યા છે.

 

મોરબી જિલ્લામાં ૨૩ થી ૨૫ જૂન દરમિયાન યોજાનારો ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રને વધુ ઉજ્જવળ બનાવશે. સમગ્ર જિલ્લામાં ૨૨ રૂટોના સુવ્યવસ્થિત આયોજન દ્વારા ૩૪,૦૦૦ થી વધુ બાળકોને આંગણવાડીથી લઈને ધોરણ-૯ સુધી પ્રવેશ કરાવીને તેમને સુશિક્ષિત પ્રયાસો હાથ ધરવામાં આવશે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાનાર વિવિધ કાર્યક્રમો મોરબી જિલ્લાની સરકારી શિક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Back to top button
error: Content is protected !!