HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ પાલિકાની ‘ઉદારતા’ કે લ્હાણી? બંધ સ્ટ્રીટ લાઈટો પડતી મૂકી સરકારી હાઈડ્રો વાહન ખાનગી એસી રિપેરિંગમાં જોતરાયું!

 

HALVAD:હળવદ પાલિકાની ‘ઉદારતા’ કે લ્હાણી? બંધ સ્ટ્રીટ લાઈટો પડતી મૂકી સરકારી હાઈડ્રો વાહન ખાનગી એસી રિપેરિંગમાં જોતરાયું!

હળવદ નગરપાલિકા અવારનવાર વિવાદોને કારણે ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર પાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી તેમજ સત્તાનો દુરુપયોગ સામે આવ્યો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે, પાલિકાનું સરકારી ‘હાઈડ્રો વાહન’ (હાઈડ્રોલિક ક્રેન) કોઈ જાહેર કામના બદલે એક ખાનગી વ્યક્તિના એસી (AC) રિપેરિંગના કામમાં વપરાતું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, હળવદ શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. રાત્રિના સમયે અંધારપટ છવાઈ જતો હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં, પાલિકા તંત્ર પાસે વાહન કે સ્ટાફ ઉપલબ્ધ ન હોવાના બહાના કાઢવામાં આવતા હતા.

પરંતુ હકીકત કંઈક જુદી જ બહાર આવી છે. પ્રજાના ટેક્સના પૈસે ચાલતું નગરપાલિકાનું હાઈડ્રો વાહન અને તેનો સ્ટાફ બંધ સ્ટ્રીટ લાઈટોનું રિપેરિંગ ખોરંભે ચડાવીને, કોઈ ખાનગી બિલ્ડિંગ કે દુકાન પર એસી રિપેર કરવાના કામમાં ફ્રી-સેવા આપી રહ્યો હતો!

આ દ્રશ્યો સામે આવતા જ હળવદના જાગૃત નાગરિકો અને વિપક્ષ દ્વારા પાલિકાની નીતિ રીતિ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે:

શું પાલિકાની સરકારી મિલકતો અને સ્ટાફ ખાનગી લક્ઝરી કામો માટે છે?

કોના ઈશારે અને ક્યા અધિકારીની મંજૂરીથી આ સરકારી વાહન ખાનગી કામે મોકલવામાં આવ્યું?

પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે ખુલ્લેઆમ દુરુપયોગ ક્યાં સુધી ચાલશે?

લોકમુખે ચર્ચા: “શહેરમાં લાઈટો સરખી કરવાનો ટાઈમ નથી, પણ ખાનગી એસી રીપેર કરવા માટે પાલિકા લાઈન લગાવીને ઊભી રહી જાય છે. આ તે કેવી સેવાકીય પ્રવૃત્તિ?”

આ મામલે હવે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહેશે કે આ ખુલ્લી લ્હાણી સામે પાલિકાના ચીફ ઓફિસર કે પ્રમુખ કોઈ એક્શન લે છે કે પછી હંમેશની જેમ આ મામલા પર પણ પડદો પાડી દેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!