HALVAD:હળવદના જૂના ઈશનપુર ગામે તળાવની પાળે યુવક પર ત્રણ શખ્સોનો હુમલો: જમવા જવાની જૂની બાબતે બોલાચાલી બાદ ઢીકાપાટુનો માર માર્યો

HALVAD:હળવદના જૂના ઈશનપુર ગામે તળાવની પાળે યુવક પર ત્રણ શખ્સોનો હુમલો: જમવા જવાની જૂની બાબતે બોલાચાલી બાદ ઢીકાપાટુનો માર માર્યો
હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે તળાવની પાળે ભેંસોને પાણી પીવડાવવા ગયેલા ૨૯ વર્ષીય યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કરી, ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. ૧૫ દિવસ પહેલાં જમવા જવાની જૂની વાતનું મનદુઃખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
બનાવની વિગત મુજબ, જૂના ઈશનપુર ગામે રહેતા હરસિદ્ધચન્દ્ર લધાભાઈ મકવાણા (ઉં.વ. ૨૯) પોતાના ઢોરને તળાવની પાળે પાણી પીવડાવવા ગયા હતા. તે દરમિયાન ૧૫ દિવસ પહેલાં આરોપી લાલાભાઈના ભાઈ સાથે તેમના ઘરે જમવા જવા અંગે થયેલી બોલાચાલીની અદાવત રાખીને ત્રણ શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. આરોપી લાલાભાઈએ ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર મારી તેમજ ઈંટ વડે છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી. આ વખતે સાથે રહેલા સુનિલભાઈ ગોવિંદભાઈ પરમાર અને હીરાભાઈ ડાયાભાઈ સોલંકી નામના શખ્સોએ પણ યુવકને પકડી રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે હરસિદ્ધચન્દ્ર મકવાણાએ આરોપી લાલાભાઈ પરમાર (રહે. કડી), હીરાભાઈ ડાયાભાઈ સોલંકી (રહે. ઈશનપુર) અને સુનિલભાઈ ગોવિંદભાઈ પરમાર (રહે. ઈશનપુર) વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








