HALVAD:હળવદ વાડી માલિકનો વિશ્વાસ કેળવી બે શ્રમિકો રૂ. ૧.૮૩ લાખનો માલ ચોરી નાસી ગયા







HALVAD:હળવદ વાડી માલિકનો વિશ્વાસ કેળવી બે શ્રમિકો રૂ. ૧.૮૩ લાખનો માલ ચોરી નાસી ગયા


હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં વાડી માલિકનો વિશ્વાસ કેળવીને ત્યાં જ ભાગમાં કામ રાખનારા બે શ્રમિકોએ મોટો હાથ માર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાડીના ગોડાઉનમાંથી આ મજૂરો રાતોરાત કોઈ વાહનમાં રૂ. ૧.૮૩ લાખની કિંમતનું જીરું અને બીટી કપાસના બિયારણની થેલીઓ ચોરીને નાસી ગયા હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, નવા દેવળીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા દિનેશભાઈ બચુભાઈ પટેલ (ઉં.વ. ૫૨)ની જેતપર રોડ ઉપર ‘વાણંદ વાળી વાડી’ આવેલી છે. આ વાડીમાં જ ભાગીદાર તરીકે રાખેલા બે મજૂરો—નિલેષભાઈ ઉર્ફે મુકો ઉકારભાઈ બારીયા અને હસમુખભાઈ અભેસંગભાઈ બારીયા (બંને મૂળ રહે. ગામ ટોકરવા, નીચવાસ ફળીયુ, તા. ધાનપુર, જી. દાહોદ)—એ વાડી માલિકનો ભરોસો જીત્યા બાદ ચોરીનો પ્લાન ઘડ્યો હતો.
રાત્રિના આશરે સવા બાર વાગ્યાથી સવારના સાત વાગ્યા દરમિયાન, બંને આરોપીઓ ગોડાઉનમાં રાખેલો નીચે મુજબનો મુદ્દામાલ કોઈ વાહનમાં ભરીને ફરાર થઈ ગયા હતા:
જીરું: ૧૭ બોરી (કુલ ૪૯ મણ) – કિંમત રૂ. ૧,૭૧,૫૦૦/-બીટી કપાસ બિયારણ: ૪૫૦ ગ્રામની ૧૩ થેલીઓ – કિંમત રૂ. ૧૧,૭૦૦/-કુલ ચોરી: રૂ. ૧,૮૩,૨૦૦/-પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા સવારે ચોરી થઈ હોવાની જાણ થતાં જ વાડી માલિક દિનેશભાઈ પટેલે તાત્કાલિક હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે દિનેશભાઈની ફરિયાદના આધારે દાહોદ જિલ્લાના વતની એવા બંને ભાગીયા મજૂરો વિરુદ્ધ ગુનો નોંધી, તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


