MORBI:મોરબી મોડપર ગામે જૂની અદાવતમાં BSFના જવાન પર બે શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ




MORBI:મોરબી મોડપર ગામે જૂની અદાવતમાં BSFના જવાન પર બે શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા અને ગાંધીનગરમાં BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક જવાન પર મોડપર ગામે જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. લોખંડના પાઇપ વડે હુમલો કરી જવાનને મૂંઢ ઇજાઓ પહોંચાડવામાં આવતા આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, પીપળીયા ગામના વતની અને હાલ ગાંધીનગર ખાતે બી.એસ.એફ.માં જી.ડી. વર્ગના કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા (ઉં.વ. ૩૫) એ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે મોડપર ગામના વતની અક્ષયભાઈ વિનુભાઈ તથા ઉમેશભાઈ શાંતિલાલ નામના બે શખ્સો સામે આક્ષેપ કર્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ અગાઉ થયેલી માથાકૂટની અદાવત મનમાં રાખીને જવાનને જાહેરમાં ભુંડી ગાળો આપી હતી.વધુમાં જણાવાયું છે કે, બોલાચાલી દરમિયાન આરોપી અક્ષયભાઈએ ફરિયાદી જવાનને પકડી રાખ્યો હતો અને બે પગ વચ્ચે ગુપ્ત ભાગે પાટુ માર્યું હતું. જ્યારે અન્ય આરોપી ઉમેશભાઈએ લોખંડનો પાઇપ વતી હુમલો કરી જવાનના ડાબા ખંભા અને હાંસડીના ભાગે ગંભીર મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી.આ બનાવ અંગે આર્મી જવાનની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


