MORBi:મોરબી જિલ્લામાં ૦૬ થી ૬૦ વર્ષના વયજૂથના કલાકારો માટે કલા મહાકુંભ યોજાશે
MORBi:મોરબી જિલ્લામાં ૦૬ થી ૬૦ વર્ષના વયજૂથના કલાકારો માટે કલા મહાકુંભ યોજાશે
કલા મહાકુંભમાં ભાગ લેવા ઈચ્છુકોએ ૨૦ ડિસેમ્બર સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતે રૂબરૂ કરવી
રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- મોરબી અને મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા સંચાલિત કલા મહાકુંભ વર્ષ : ૨૦૨૪- ૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કલા મહાકુંભ માં ૦૬ થી ૬૦ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ તમામ કલાકારો ભાગ લઈ શકશે. આ વયજુથમાં ચાર વિભાગ રહેશે. જેમાં ૦૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના નાગરિકો સંમિલિત બની શકે છે.
આ કલા મહાકુંભમાં ૬ પ્રકારના વિવિધ વિભાગ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન, અભિનયની કેટેગરીમાં સ્પર્ધકો ભાગ લઈ શકે છે. સાહિત્ય વિભાગમાં વકૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ છે. કલા વિભાગમાં ચિત્રકલા અને સર્જનાત્મક કારીગરી છે. નૃત્ય વિભાગમાં લોક નૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, કુચીપુડી, ઓડીસી, મોહિનીઅટ્ટમ છે. ગાયન વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત હિન્દુસ્તાની, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત, ભજન છે. વાદન વિભાગમાં હાર્મોનિયમ (હળવું), તબલા, ઓર્ગન, સ્કુલબેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સાંરગી, પખવાજ, વાયોલિન, મૃદંગમ, રાવણહથ્થો, જોડીયા પાવા છે. અભિનય વિભાગમાં એકપાત્રીય અભિનય અને ભવાઈ છે.
આ કાર્યક્રમમાં તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા- આમ ૪ સ્પર્ધાના સ્તર રહેશે. આ અંગે ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે જોડીને આગામી તારીખ ૨૦-૧૨-૨૦૨૪ સુધીમાં અત્રેની કચેરીના કામકાજના દિવસો અને કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નંબર ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી- ૩૬૩૬૪૨ ખાતે જમા કરાવવાના રહેશે. તારીખ ૨૦/૧૨/૨૦૨૪ પછી મળેલા અરજી પત્રકો, અધુરી વિગતોવાળા સ્વીકારવામાં આવશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.