GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પ્રાકૃતિક ખેતી માટે જમીન ચકાસણી મહત્વનું પરિબળ; જમીનની ગુણવત્તા મુજબના પોષકતત્વોથી વધુ નફો મેળવી શકાય

MORBI:પ્રાકૃતિક ખેતી માટે જમીન ચકાસણી મહત્વનું પરિબળ; જમીનની ગુણવત્તા મુજબના પોષકતત્વોથી વધુ નફો મેળવી શકાય

 

 

પ્રાકૃતિક ખેતીના મહત્વના અંગ એવા ઘનજીવામૃત, બીજામૃત વગેરેના કાર્યક્ષમ ઉપયોગ માટે જમીન ચકાસણી આવશ્યક

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા જમીન ચકાસણી જરૂરી છે. જમીનએ ખેતીમાં પાયાનું અંગ છે, ખેત પેદાશ કેટલી આવશે તેનો આધાર મહદઅંશે જમીન ઉપર રહેલો છે. જમીન દ્વારા જ છોડને જરૂરી પોષણ અને આધાર મળી રહે છે. અત્યારના આધુનિક સંશોધનોથી ખેડૂતો પાકની વધુ ઉત્પાદન આપતી નવી જાતોનું વાવેતર કરતા થયા છે. આ જાતો જમીનમાંથી પોષકતત્વોનો વધુ ઉપાડ કરી વધુ ઉત્પાદન આપે છે. પરિણામે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આથી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને વધુ ઉત્પાદન મેળવવા જમીનમાં ખાતર આપવું પડે છે.

 

વધુ ઉત્પાદન અને વધુ આર્થિક ફાયદો મેળવવો હોય તો જમીન ચકાસણી કરાવવી ખાસ જરૂરી છે. જેથી ‘જમીન ચકાસણી અહેવાલ’ની ભલામણ મુજબ જમીનમાં વિવિધ પોષક તત્વોરૂપી ઘન જીવામૃત, બીજામૃત વગેરે ખાતર યોગ્ય માત્રામાં આપી ખેડૂત વધુ ફાયદો મેળવી શકે છે. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે જમીન ચકાસણીની જરૂરીયાત શા માટે ? તો જમીનનું બંધારણ, નિતાર શક્તિ, ભેજ સંગ્રહ શક્તિ તેમજ ભૌતિક ગુણધર્મોની જાણકારી મેળવવા, પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડવાની જમીનની ક્ષમતા (જમીનની ફળદ્રુપતા) જાણવા, પાકને જરૂરી પોષક તત્વો ખૂટતા હોય તો તે કેટલા પ્રમાણમાં નાખવા તેની જાણકારી મેળવવા, જમીન ખારી કે ભાસ્મિક છે તે જાણી તેને અનુરૂપ સુધારણાના ઉપયોગ કરવા અને ગ્રામ્ય, તાલુકા કે રાજયકક્ષાએ જમીનની ફળદ્રુપતાના નકશા તૈયાર કરવા માટે જમીન ચકાસણી જરૂરી છે.

જમીનનો નમૂનો લેવાની રીતની વાત કરીએ તો, જમીનનો યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નમૂનો લેવા જમીનની બે થી ત્રણ એકરની ટુકડી દીઠ એક નમુનો લેવો. આ એક નમૂના માટે જે ટુકડીમાંથી નમૂનો લેવાનો હોય તે ટુકડીમાંથી આઠથી દશ જુદી જુદી જગ્યાએથી પાવડા વડે અંગ્રેજીમાં ‘વી’ આકારનો ખાડો કરી એક ફૂટ જેટલી ઉંડાઈ સુધીની માટી લેવી. આ નમૂનો લેતા અગાઉ જમીનના ઉપરના ભાગમાંથી કાંકરા, કચરો દુર કરવા, જમીનનો ઉપરથી નીચે સુધીનો સળંગ સમાંતર ભાગ આવી જાય તે રીતે પાવડાથી માટી લેવી ખાસ જરૂરી છે. આમ, આ રીતે આઠથી દશ જગ્યાએથી લીધેલ માટીને એક ગમેલામાં ભેગી કરી, બરાબર મિશ્ર કરી, ત્યારબાદ તેમાંથી અડધો કિલો જેટલી માટી પ્લાસ્ટિક અથવા કાપડની સારી કોથળીમાં ભરી નીચે પ્રમાણે જરૂરી માહિત સાથે ચકાસણી માટે મોકલવી.

 

જમીનના નમૂના અંગે ધ્યાનમાં રાખવાની બાબતોની વાત કરીએ તો, જમીનનો નમૂનો પાકની કાપણી બાદ અથવા પાક વાવતા પહેલા લેવો, ઊભા પાકમાંથી નમૂનો લેવો હોય તો પાકની હરોળ વચ્ચેથી લેવો, ખાતરનો ખાડો, વાડ, ઝાડ, સેઢા કે પાણીના ખાબોચિયા પાસેથી નમૂનો લેવો નહીં, બાગાયતનાં પાક માટે ઝાડના ઘેરાવાની નીચેની ૩-૪ જગ્યાએથી માટી લઈ ભેગી કરી નમૂનો લેવો, જમીનનો નમૂનો ખાતરવાળી કે છાણવાળી જગ્યાએથી દુર રાખવો અને નમૂનો લેવાની કોથળી સ્વચ્છ હોવી જોઈએ. આ અંગે વધુ વિગત તથા માર્ગદર્શન માટે પ્રોજેકટ ડાયરેકટર, આત્માનો સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!